ભારતમાં તાલિમ મેળવીને અફઘાનિસ્તાન પરત ફરશે 150 સૈન્યકર્મીઓ,તાલિબાનની સત્તામાં કરવું પડશે કામ, જાણો શું છે મામલો
- ભારતથી તાલિમ લઈને અફઘાન પરત ફરશે 150 સેન્યકર્મી
- તાલિબાની રાજમાં હવે કરવું પડશે કામ
- તાલિબાનના હુમલા પહેલા તાલિમ માટે આવ્યા હતા ભારત
દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે,ત્યારે હવે અફઘાનિસ્તાનના લગભગ 150 સૈન્ય અધિકારીઓ અને સૈનિકો, જેઓ ભારતીય સૈન્ય અકાદમીઓ અને સંસ્થાઓમાં તાલીમ લઈ રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત ફરી શકે છે.હવે તેઓની તાલીમ પૂર્ણ થવાના આરે છે. ત્યાર બાદ તેમને અફઘાનિસ્તાન પરત ફરવું પડશે. આ અધિકારીઓએ તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની સેનામાં ફરજ બજાવવી પડશે.જેઓ તાલિબાન હુકુમત પહેલા ભારત તાલિમ માટે આવ્યા હતા.
જ્યારે આ સૈનિકો ટ્રેનિંગ માટે આવ્યા ત્યારે ત્યાં લોકશાહી સરકાર હતી, પરંતુ જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેમને તાલિબાની સરકાર સાથે કામ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે અફઘાન સેનાએ પણ તાલિબાન સામે આત્મસમર્પણ કર્યું હતું.
સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે અફઘાન સૈનિકોએ તાલીમ પૂર્ણ કર્યા પછી તેમના દેશમાં પાછા ફરવું પડશે. તેઓના શિડ્યુલ મુજબ તાલીમ લઈ રહેલા અધિકારીઓ અને સૈનિકોને પરત કરવામાં આવશે. જો કે તાલિબાનમાં સત્તા પરિવર્તન પહેલા આ સૈન્ય જવાનો ટ્રેનિંગ માટે ભારત આવ્યા હતા. આમાં કેટલીક મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત તરફથી ક્ષમતા નિર્માણ કાર્યક્રમ હેઠળ અફઘાન સેના માટે આધુનિક તાલીમ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, અન્ય ઘણા દેશોના સૈન્ય અધિકારીઓ પણ વિવિધ કાર્યક્રમો હેઠળ તાલીમ માટે ભારતમાં આવતા હોય છે. આજ રીતે ભારત સિવાય અફઘાન સેનાના અધિકારીઓ અન્ય ઘણા દેશોમાં પણ તાલીમ લેવા ગયા હતા.
આ અધિકારીઓ ઈન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂન, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ અને નેશનલ ડિફેન્સ એકેડમી પુણે ખાતે તાલીમ લઈ રહ્યા છે, જ્યારે સૈનિકોને અલગ-અલગ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. તમામ તાલીમ કાર્યક્રમોનો સમયગાળો અલગ અલગ હોય છે. તેથી કેટલાક તેમની તાલીમ પૂર્ણ કરી રહ્યા છે અને કેટલાકને વધુ સમય લાગી શકે છે.