અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આદિવાસી સમાજમાં હોળીનું વિશેષ મહાત્મ્ય હોય છે. અને આ તહેવારોમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે હાળી-ધૂળેટીના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી દ્વારા રાજ્યભરમાં 1500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 વધારાની બસો દોડાવાશે.
હોળી-ધુળેટીનાં તહેવારોમાં દરવર્ષેની જેમ ચાલુ વર્ષે પણ એસ.ટી.નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાશે. ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં આદિવાસી શ્રમિકો વસવાટ કરી રહ્યા છે, અને હોળી-ધૂળેટીના તહેવારોમાં માગરે વતન જતા હોય છે. ઉપરાંત ડાકોર, દ્વારકા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ પણ લોકો હોળી-ઘૂળેટીના પર્વમાં દર્શન માટે જતા હોય છે. આથી પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજયવ્યાપી એકસ્ટ્રા બસો દોડાવાશે.
એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ હોળી-ધુળેટી પર્વને લીધે તા.16ને શનિવારથી રાજયભર 1500 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. તથા ડાકોર અને દ્વારકા માટે 500 વધારાની બસો દોડાવવામાં આવશે. ગુજરાત એસ. ટી. નિગમ દૈનિક 8000 થી વધુ બસોના કાફલાથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ પરીવહનની સેવાઓ પુરી પાડે છે. નિગમ વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે. પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન જાવન કરે છે. આવા વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.
એસટી નિગમના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે હોળી-ધૂળેટીના પર્વમાં ગુજરાત એસ. ટી. દ્વારા 1200 જેટલી બસો દ્વારા 4516 ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને તેમના વતન જવા માટેની સુવિધા પુરી પાડી હતી. .ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 425 બસો દ્વારા 3518 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1500 જેટલી બસો વડે 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કર્યુ છે.