રાજકોટઃ રાજ્યના તમામ શહેરો માટે રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે પોલીસી બનાવી છે. અને રખડતા ઢોર સામે કડક દંડનિય જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી મ્યુનિની કચેરી ખાતે મળી હતી. જેમાં રખડતા ઢોર છોડાવવાનાં દંડમાં ત્રણગણો વધારાને મંજૂર આપવામાં આવી હતી. હવે પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ ભરવો પડશે, તેમજ એનિમલ હોસ્ટેલમાં એક ઢોરને 1000ને બદલે 3000માં રાખવામાં આવશે.
રાજ્યના અન્ય તમામ મહાનગરોની જેમ રાજકોટ શહેરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સરકારે મોકલેલા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેના નવા કાયદા 2023ને આરએમસીની સ્ટેન્ડિંગ કમિટિએ મંજુરી આપી દીધી છે. હવેના જનરલ બોર્ડમાં આ ઠરાવ મંજુર થાય અને સરકારને મોકલવામાં આવે એ સાથે જ નવા નિયમો લાગુ થઇ જશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
રાજ્યના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ એટલો ગંભીર બન્યો છે, હાઇકોર્ટે ગુજરાત સરકાર અને મગાનગરપાલિકાઓને ફટકાર લગાવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે નવા કાયદાનો અમલ કરવાની માર્ગદર્શિકા દરેક શહેરોને મોકલી હતી. આરએમસીની સ્ટેન્ડિંગ કમિટીની ગત મીટીંગમાં આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી તેના બીજા જ દિવસે શહેરના ગાંધીગ્રામમાં ઢોર પકડ ટીમ પર હુમલો થયો હતો. હવે ત્રણ નિયમોનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની જોગવાઇઓથી શહેરમાં અનેક રોડ ‘નો કેટલ ઝોન’ જાહેર થશે. એટલે કે નક્કી કરાયેલા માર્ગો પર ઢોર નીકળે એટલે છોડવામાં નહીં આવે. આ ઉપરાંત ડીસીપી સહિતના પોલીસ તંત્રની ભૂમિકા પણ મહત્વની બનશે. હવે બીજી વખત પશુ પકડાય એટલે ડબલ, ત્રીજી વખત પકડાય એટલે ત્રણ ગણો દંડ લેવામાં આવશે. હાલ દંડ રૂપિયા 500થી શરુ થાય છે. જે હવે રૂપિયા 1500 અને ત્યાબબાદ ઢોર પકડાશે તો વધુ દંડ થશે. ઉપરાંત પશુ નિભાવ ખર્ચ પણ વધારવામાં આવ્યો છે.
આરએમસીના સૂત્રોના રહેવા મુજબ શહેરમાં રખડતા ઢોરના પશુપાલકો સામે વધુ આકરા પગલા લેવામાં આવશે. નવી પોલીસી મુજબ લાયસન્સ અને પરમીટ, ચીપ લગાવવા, ઢોર રખડતું મુકવા બદલ માલિક સામે કાર્યવાહી, દંડ વસુલાત, માર્ગદર્શક કામગીરી, ફરજમાં રૂકાવટ કરનારા સામે જાહેરનામા ભંગનો ગુનો, ન છોડાવાયેલા પશુ પાંજરાપોળને સોંપવા, જાળવણી સાથે મેડીકલ ચેકઅપની વ્યવસ્થા સામેલ છે. પશુપાલકોએ પોતાના ઘરે ઢોર રાખવા માટે ચાર્જ સાથે પરમીટ લેવાની રહેશે અને મંજુરીથી વધુ ઢોર હોય તો દંડનીય કાર્યવાહી કરવાની રહેશે. દૂધના વેચાણ જેવો વ્યવસાય કરનારા પશુ માલિકે લાયસન્સ લઇને રીન્યુ કરાવવાનું થશે. જેની મુદત ત્રણ વર્ષની નકકી કરવામાં આવી છે. પરમીટ લાયસન્સના આધારે ઢોરને ચીપ લગાવવાની કામગીરી થશે. કોઇ પશુ પાલક શહેર બહારથી ઢોર લાવે તો તેમણે નોંધણી કરાવવાની રહેશે. નિયમના અમલ બાદ ચાર માસમાં ટેગ લગાડવામાં ન આવે તો ઢોર પકડીને શહેર બહાર મોકલી દેવામાં આવશે અને માલીક સામે પણ કાર્યવાહી થશે. માલીકીની જગ્યા ન હોય તેઓએ બે માસમાં પશુને બહાર અથવા એનીમલ હોસ્ટેલમાં મોકલી આપવાના રહેશે. જે તે ઝોનમાં સુવિધાવાળા કેટલ પોન્ડ પણ બનાવવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઢોર પકડવાની કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં આડે આવતા માલિક કે અન્ય લોકો સામે કાયદાકીય કાર્યવાહી થશે. ઢોર પકડ ટીમ આગળ પાયલોટીંગ કરતા શખસો (બાઇકર્સ ગેંગ) સામે પોલીસ કેસ કરવામાં આવશે. મ્યુનિ.ના વાહન ઉપર કેમેરા લગાવીને આવા શખ્સોની ઓળખ પણ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ દ્વારા ટીમને પુરતો બંદોબસ્ત આપવાનો રહેશે. કોઇ પણ વ્યકિત કે સંસ્થાએ ઘાસ વેંચાણ માટે લાયસન્સ લેવું પડશે. તહેવારો ઉપર જીવદયાપ્રેમીઓ પશુઓને જાહેરમાં ઘાસચારો નાખે છે. ઘણા પશુ માલિકો પણ વેંચાણ માટે ઉભા રહે છે. તે કારણે ટ્રાફિક પ્રશ્નો સર્જાય છે. આથી જાહેરમાં ઘાસ વેંચાણ કરનારા સામે પણ જાહેરનામા ભંગની કાર્યવાહી થશે.