અમદાવાદઃ શહેરના થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલવે પૂલ સુધીના 1500 મીટરના 6 માર્ગીય ફ્લાયઓવર આજથી શરૂ કરાયો છે. ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. લોકાર્પણ બાદ નીતિન પટેલે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, કોઈના જવાથી ભાજપને કોઈ નુકશાન થવાનું નથી. તેમણે સુરતમાં મહેશ સવાણી આપમાં જોડાયા તેના પ્રશ્નના જવાબમાં વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી, કોઈ ઓળખતું નથી.
અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો 4200 મીટરનો કુલ 4.18 કિ.મી એલિવેટેડ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સરખેજ – ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામા સમય અને નાણાંની બચત થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેવા પામતો હતો, જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈને થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે.
આજે 1.48 કિમીનું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં લોકો તેના પર વાહનવ્યવહાર કરી શકશે. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂ.325 કરોડ થવાનો અંદાજ છે, જેમાંથી આજે ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજનો ખર્ચ રૂ.51 કરોડ થયેલો છે. આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરખેજ- ગાંધીનગર હાઈવે પર હવે માત્ર ત્રણ જ બ્રિજના લોકાર્પણ બાકી રહ્યા છે. ઈન્ફોસિટી અને સરગાસણ બ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે.