ગુજરાત યુનિ.સંલગ્ન કૉમર્સમાં 15 હજાર વિદ્યાર્થીઓ ચોઈસ ફિલીંગ ન મળતા પ્રવેશથી દુર રહ્યા
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા સત્રના પ્રારંભ સાથે દોઢ-બે મહિનાથી કોલેજો શરૂ થઈ ગઈ છે. કોર્મસ કોલેજોમાં એવી સ્થિતિ છે, કે 15 હજાર વિદ્યાર્થીઓ એવા છે. કે, તેમને પસંદગીની કોલેજોમાં પ્રવેશ ન મળતા અન્ય કોલેજોમાં ફાળવેલો પ્રવેશ લીધો નથી બીજીબાજુ પ્રવેશના અંતિમ રાઉન્ડ બાદ પણ 20 હજાર બેઠકો ખાલી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉમર્સ કોલેજોમાં એડમિશન પ્રક્રિયાના 3 રાઉન્ડ ઓનલાઇન પુરા થયા અને ઓફલાઇન રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. છતાં 19,000 વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે. જેમાંથી 15000 વિદ્યાર્થીઓને એડમિશન ફાળવ્યા છતાં વિદ્યાર્થીઓએ ચોઇસની કોલેજ માટે એડમિશન લીધા નથી. હજુ 20,000 બેઠક ખાલી છે, જેની સામે કૉમર્સમાં 19000 વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં UG કૉમર્સમાં 41,000 બેઠક છે. જેમાંથી 20,000 બેઠક હજુ ખાલી છે. એડમિશન માટે 3 રાઉન્ડ ઓનલાઇન કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રીજા રાઉન્ડમાં 19877 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી હતી. 4700 વિદ્યાર્થીઓએ ફી ભરીને એડમિશન કન્ફોર્મ કરાવ્યું હતું. જ્યારે 15000થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા જ નહોતા. આ ઉપરાંત 2400 વિદ્યાર્થીઓએ પોતાના મેરિટ કરતા ઊંચી કોલેજ પસંદ કરી હતી, જેના કારણે એડમિશન મળ્યા નથી અને 1600 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાના પરિણામ બાદ ફોર્મ ભર્યું હતું, જે એડમિશનથી વંચિત રહી ગયા છે.
આ અંગે એડમિશન કમિટીના કન્વીનર ડૉ. જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ચોક્કસ કોલેજ અને ચોક્કસ કોર્ષનો આગ્રહ રાખે છે, જેના કારણે એડમિશન મળતું નથી. અનેક વખત અપીલ કરી છતાં વિદ્યાર્થીઓએ મેરીટ અને કટ ઓફ કરતાં ઊંચી કોલેજ પસંદ કરી હતી, જેથી એડમિશનથી વંચિત રહી ગયા છે. હવે ઓફલાઇન એડમિશન શરૂ થયા છે, જેથી સીધું કોલેજ પરથી એડમિશન મળી જશે.