Site icon Revoi.in

સુરતથી વતન જવા પરપ્રાંતના લોકોનો ધસારો, ઉધના રેલવે સ્ટેશને 15000 પ્રવાસીઓની ભીડ

Social Share

સુરતઃ દિવાળીના તહેવારોને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતા બહાર ગામના લોકો પોતાના માદરે વતન જવા રવાના થયા છે. શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગથી લઈને અન્ય ઉદ્યોગોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો કામ કરે છે. આ શ્રમિકો પોતાના પરિવાર સાથે દિવાળી અને 6ઠ્ઠની પૂજા માટે પોતના વતન જઈ રહ્યા છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પણ હૈયહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે. સવારની ટ્રેન હોય તો પણ પ્રવાસીઓ સમીસાંજથી આવીને લાઈનમાં ગોઠવાઈ જાય છે. એને એકથી બે કિલોમીટરની લાઈનો જોવા મળી રહી છે. દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડને કારણે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવમાં આવન્યો છે.

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતના લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સુરત રેલવે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ થઈ રહી છે. લોકો 12-12 કલાકથી લાઈનોમાં ઊભા રહે છે.  અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન રેલવે તંત્ર દ્વારા આગોતરા આયોજનના અભાવને લઈને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પરના જનસેલાબને જોઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની જગ્યા નથી.  દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે. આજે રવિવારે પ્રવાસીઓની ભીડને કાબુમાં લેવા પોલીસને હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. વતન જવા માટે પ્રવાસીઓની બે કિમિથી વધુ લાંબી લાઈનો જોવા મળી હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.

સુરત શહેરમા સૌરાષ્ટ્રના લોકોની પણ સારીએવી વસતી છે. સૌરાષ્ટ્રવાસીઓ પણ દિવાળીના તહેવારો હોવાથી માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. પ્રવાસીઓએ એસટી બસોનું અગાઉથી બુકિંગ કરાવી લીધું છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં પણ પ્રવાસીઓ સૌરાષ્ટ્ર જઈ રહ્યા છે.