Site icon Revoi.in

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગના 156 બનાવો બન્યા, દિવાળીમાં ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું

Social Share

રાજકોટઃ પ્રકાશના પર્વ દિવાળીની રંગીલા રાજકોટવાસીઓએ ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. શહેરમાં ફટાકડા અને હવાઈ રોકેટને લીધે  છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ નોંધાયા હતા. જેમાં રવિવારના રાત્રિના 12 વાગ્યાથી સોમવારે સવારના 10 વાગ્યા સુધીમાં 65 બનાવ નોંધાયા હતા. જ્યારે 12 તારીખના રોજ આગ લાગવાના 63 બનાવ નોંધાયા હતા. જોકે, સદનસીબે એક પણ બનાવમાં જાનહાનિના થઈ નહતી. દિવાળીના તહેવારોમાં ફટાકડાને કારણે આગ લાગવાથી ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.

રાજકોટ મ્યુનિ.ના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિતે રાજકોટ મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશન ઉપરાંત અલગ વધારાના 5 ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. ઈમર્જન્સી કોલ એટેન્ડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારે  ઇમરજન્સી ફાયર સ્ટેશન વિથડ્રો કરી દેવામાં આવ્યા છે. આમ છતાં સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી હતી. આ દિવસો દરમિયાન એક પણ સ્ટાફને રજા ન આપી ફરજ પર રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી હતી.

રાજકોટ ફાયરવિભાગને છેલ્લા 48 કલાકમાં 156  કોલ આગ લાગવાના મળ્યા હતા. જેમાં તમામ જગ્યા પર ફાયર વિભાગના સ્ટાફ દ્વારા તત્કાલ પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. દિવાળીના પર્વ દરમિયાન રાત્રિના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 65 બનાવો આગ લાગવાના સામે આવ્યા હતાં. જેમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ બનાવમાં જાનહાનિ થવા પામી નથી. અંદાજિત 5થી 6 કરોડ રૂપિયાનું નુકશાન થતા અટકાવ્યું હતું.

રાજકોટ ફાયર વિભગાને મળેલા આગ લાગવાના કોલમાં શહેર બહાર મેટોડા GIDC ખાતે ઔદ્યોગિક એકમમાં આગ લાગી હતી. જ્યારે શહેર વિસ્તારમાં આવતા ઔદ્યોગિક ચાર એકમોમાં આગ લાગવાના બનાવ નોંધાયા હતા. જ્યારે રહેણાંક મકાનમાં 6 બનાવ, ખુલ્લા વાડા અને પ્લોટમાં 131 બનાવ નોંધાયા હતા. આમ કુલ 5થી 6 કરોડ રૂપિયાનો મુદ્દામાલ આગમાં ખાક થતા બચાવ્યો હતો. શહેરના કાલાવડ રોડ પર આવેલા રાધિકા જવેલર્સનાં દરવાજા ઉપર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, સદનસીબે કોઈ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા પાણીનો મારો ચલાવી મોટું નુકશાન થતા અટક્યું હતું અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી.