ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે.
આ બંને ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે. સુજલામ સુફલામ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત 14 પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી 12 પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી 300 ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી 78 કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે 1566.25 રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે. એટલું જ નહિ, તેમણે મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા 100 ક્યુસેકની વહન ક્ષમતા વાળી 33 કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ 191.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના 73 ગામોના 156 તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના 33 ગામોના 96 તળાવો ભરવામાં આવશે.
આ કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનથી સમગ્રતયા રપર તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઇ લાભ તેમજ 30 હજારથી વધુ ગ્રામીણ ખેડૂતો પરિવારોને સિંચાઇ માટે, પીવા માટે અને પશુધન માટેના પીવાના પાણીની સુવિધા વધુ સરળતાએ મળતી થશે. મુખ્યમંત્રીએ ડીંડરોલ-મુકતેશ્વર જળાશય માટે 33 કિ.મી ની ઉદવહન પાઇપ લાઇન યોજના માટે 191.97 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપતાં વડગામ તાલુકાના 24 ગામોના 33 તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોના 9 તળાવો જોડાશે.
ડીંડરોલ-મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના દ્વારા નર્મદાનું 100 ક્યુસેક પાણી વહન કરીને મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવશે અને લાંબા સમયથી સુકા રહેલા આ જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની 20 હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે.