નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડીએ કથિત દારુ ગોટાળાના મામલામાં ગુરુવારે રાત્રે પૂછપરછ બાદ એેરેસ્ટ કર્યા. કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટમાંથી ઉત્પાદ શુલ્ક નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના પાસાની તપાસ સંદર્ભે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવાના ઈન્કારના કેટલાક કલાકો બાદ થઈ છે. આ મામલામાં આ 16મી ધરપકડ છે.
એક સપ્તાહ પહેલા જ 15 માર્ચે ઈડીએ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરરાવના પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને હૈદરાબાદથી એરેસ્ટ કર્યા હતા. તેમના પર પણ મની લોન્ડ્રિંગનો આરપો છે. દિલ્હી દારૂ ગોટાળામાં મનીષ સિસોદિયા અને સંજયસિંહને ઈડી પહેલા જ એરેસ્ટ કરી ચુકી છે. આ મામલામાં હવે ચોથી હાઈપ્રોફાઈલ ધરપકડ થઈ છે. આ નેતાઓને પીએમએલએની કલમ-3 અને કલમ-4 હેઠળ મની લોન્ડ્રિંગના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે.
કથિત દારૂ ગોટાળાના મામલામાં પહેલી ધરપકડ 2022માં થઈ હતી. ત્યારે ઈડીએ સમીર મહેન્દ્રની 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ધરપકડ કરી હતી. મહેન્દ્રૂ દેશના સૌથી મોટા શરાબ કરોબારી છે. મહેન્દ્રૂ પર આરોપ છે કે તેણે કથિત દારુ ગોટાળામાં બે ચુકવણી કરી હતી. તેમાંથી પહેલી દિલ્હીના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિકટવર્તી દિનેશ અરોડાને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે બીજી ચુકવણી ગુરુગ્રામખાતે કથિત વચેટિયા અર્જુન પાંડેને લગભગ 2થી 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે પાંડેએ વિજય નાયરના કહેવાથી રૂપિયાની વસૂલી કરી હતી.
કથિત દિલ્હી દારુ ગોટાળાના કેસમાં અત્યાર સુધીમાં સમીર મહેન્દ્રુ, પી. શરતચંદ્ર રેડ્ડી, બિનોય બાબુ, વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, અમિત અરોડાની ધરપકડ થઈ ચુકી છે. આ ધરપકડો 2022માં થઈ છે. તેના સિવાય 2023માં ઈડીએ ગૌતમ મલ્હોત્રા, રાજેશ જોશી, રાઘવ મગુંટા, અમન ધાલ, અરુણ પિલ્લઈ, મનીષ સિસોદિયા, દિનેશ અરોડા અને સંજય સિંહની ધરપકડ કરી છે. 2024માં અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે.