સુરતમાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોકટર પકડાયાં, વોર્ડબોય અને કમ્પાઉન્ડરોએ દવાખાનાં ખોલ્યા હતા
સુરતઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ડિગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની માહિતી મળતા શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી) દ્વારા રેડ પાડીને 16 જેટલા ફેક તબીબોને પકડી પાડ્યા હતા. શહેરના સ્લમ વિસ્તારોમાં વોર્ડબોય અને કમ્પાઉન્ડરોએ ક્લિનિક શરૂ કરીને દર્દીઓનું નિદાન કરીને દવાઓ આપતા હતા. પકડાયેલા 16 તબીબો માત્ર ધોરણ 10 અને 12 સુધી જ ભણેલા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનારા 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને કમ્પાઉન્ડર તરીકે નોકરી કરનારા 16 શખસો સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. આ તમામ ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની મેડિકલ કે ડૉક્ટરની ડિગ્રી નથી.
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે, શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ-અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોકી ઉઠી હતી. એસઓજીની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે, ત્યાં માત્ર ધોરણ-10 અને 12 સુધી ભણનારા વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે. ક્લિનિકમાં 4-5 એવા દર્દીઓ હતા કે, જેઓને ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા.
આ સમગ્ર મામલે એસઓજીના પીઆઇએ જણાવ્યું હતું કે, તબીબી પ્રેક્ટિસ કરતા પકડાયેલા 16 શખસો પાસે કોઈ ડીગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે.સુરતના વિસ્તારમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ તમામ ઝોલાછાપ ડૉક્ટરો પાસે ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ નહોતી અને તેઓ કોઈપણ પ્રકારના ડરથી મુક્ત થઈ આરામથી લોકોની સારવાર કરી રહ્યા હતા.