Site icon Revoi.in

અમદાવાદમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે વધુ 16 નવી ફ્લાઈટ્સ ઉડાન ભરશે

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થતો જાય છે. અમદાવાદથી દેશના અન્ય મહાનગરોને જોડતી અનેક ડોમેસ્ટીક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉનાળાના પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધુ 16 નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદથી હૈદરાબાદ, ગોવા, અને બાગડોગરા વગેરેનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. માર્ચથી શરૂ થતાં ઉનાળુ વેકેશનમાં ટૂરિસ્ટોની સંખ્યા બમણી થવાનો અંદાજ હોવાથી સમર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ ડોમેસ્ટિક એરલાઇન 16 નવી ફલાઈટ ઓપેરટ કરશે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર હાલમાં પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ફ્લાઈટની સંખ્યા 267થી વધીને 300ને પાર થઇ જશે. પ્રતિદિન પેસેન્જર ટ્રાફિક 40 હજારને વટાવી જશે. 12 ફેબ્રુઆરીએ એક દિવસમાં ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક 37,696ને પાર કરી ગયો હતો.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સમર શિડ્યુલમાં 1 માર્ચથી ગો ફર્સ્ટ  દ્વારા ગોવા, અકાશા દ્વારા 15 માર્ચથી ગોવા અને  હૈદરાબાદ, તેમજ 26 માર્ચથી સ્પાઇસ જેટ  દ્વારા બાગડોગરા રૂટ પર ફલાઇટો શરૂ કરશે. તમામ એરલાઇને બુકિંગ શરૂ કરી દીધું છે. સ્ટાર એર દ્વારા અમદાવાદ ભુજ ડેઇલી ફ્લાઈટ શરૂ કરી દેવાશે,  હાલમાં વીકમાં મંગળવાર સિવાય તમામ દિવસો ઓપરેટ કરે છે. જ્યારે ગો ફર્સ્ટે 15 માર્ચથી ચેન્નઇની ફલાઇટની જાહેરાત કર્યા બાદ કોઇ કારણોસર વિડ્રો કરી છે. ઉનાળામાં ટુરિસ્ટોની સંખ્યા બમણી થઈ શકે છે. મોટાભાગની ફલાઇટોમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકા રહેશે. ગોવા, બાગડોગરા સહિતના રૂટ પર એરલાઇન સામાન્ય દિવસો કરતા વધુ ભાડું વસૂલશે. અમદાવાદથી બાગડોગરાનું વન-વે ભાડું 10 હજાર અને ગોવાનું 6 હજારની આસપાસ રહેશે.