Site icon Revoi.in

જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવીને શુદ્ધ ઘીના નામે વેચાતા ડુપ્લીકેટ ઘીના 160 ડબ્બા પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરના સરખેજ – સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી  ઘીનું ગોડાઉન પકડાયું છે. આરોપીઓ જાણીતી બ્રાન્ડના ઘીના ડબ્બામાં બનાવટી ઘી ભરીને જાણીતી બ્રાન્ડ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા. બનાવટી ઘી આરોપીઓ કડીથી લાવતા હતા અને નકલી ઘી જાણીતી બ્રાન્ડના નામે રાજકોટમાં વેચતા હતા. પોલીસે ગોડાઉનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા, ગાડી સહિત કુલ રૂ.8.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જગદીશ એસ્ટેટના એક ગોડાઉનમાં બનાવટી જાણીતી બ્રાન્ડના નામે ઘી બનાવીને વેચવામાં આવતું હોવાની બાતમી સરખેજ પીઆઈ એસ.જી.દેસાઈને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે ગોડાઉનમાં દરોડો પાડયો હતો. દરમિયાન ત્યાંથી 15 કિલોના એક એવા ઘી ભરેલા 160 ડબ્બા, અમૂલના પૂંઠા, અમૂલના માર્કાવાળા સ્ટીકર, ડબ્બા સીલ કરવાનું મશીન તેમજ એક બોલેરો પીકઅપ વાન મળીને કુલ રૂ.8.32 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે દેવ બાલુસિંગ વાઘેલા અને અલ્પેશ દવેરા,ને ઝડપી લીધા હતા. આ સાથે તેઓ આ કામગીરી કેટલા સમયથી કરતા હતા અને તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. 15 કિલો બનાવટી ઘીનો એક ડબ્બો સીલ કરીને રૂ.1500માં તૈયાર કરી દેતા હતા. તે ડબ્બો જાણીતી બ્રાન્ડ ઘીમાં ખપાવીને રૂ.5 હજારમાં વેચતા હતા. જેથી આ લોકોએ અત્યાર સુધીમાં કેટલા કિલો બનાવટી ઘી મંગાવીને અસલી ઘીમાં ખપાવીને વેચ્યુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું , આરોપી અલ્પેશ અને દેવની ધરપકડ કરીને બનાવટી ઘી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંનેના કોરોનાના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેઓ રાજકોટમાં આ ઘી કોને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓએ જગદીશ એસ્ટેટમાં એક અઠવાડિયા પહેલા જ આ ગોડાઉન ભાડે રાખી બનાવટી અમૂલ ઘી બનાવવાની શરૂઆત કરી વેચાણ કરી રહ્યા હતા.