પાલનપુરઃ બનાસકાંઠામાં આજે અષાઢી બીજના દિને પાલનપુર, ડીસા અને થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. પાલનપુરના મોટા રામજી મંદિરથી પરંપરાગત રૂટો પર રથયાત્રા નિજ મંદિરથી નીકળતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોડમાં રણછોડ છે. તેને સાર્થક કરતા રથયાત્રામાં જોડાયેલા ભાવિકોને 16 હજાર રોપાનું વિતરણ કરાયું હતું.
પાલનપુરમાં મોટા રામજી મંદિરથી નીકળેલી રથયાત્રામાં દરેક જ્ઞાતિના દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પાલનપુર નગરના માર્ગ ઉપર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુજી ઊઠ્યા છે. પાલનપુરના મોટા રામજી મંદિરથી લઈ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા પથ્થર સડક, નાની બજાર,મોટી બજાર, ત્રણ બત્તી, ગઠામણ દરવાજા, રામજી નગર, સુભાષ નગર, બેચરપુરા, કૈલાસ મંદિર, સરકારી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, જીઆઇડીસી, કોજી, ગુરુનાનક ચોક, રેલવે સ્ટેશન, સીમલા ગેટ, દિલ્હી ગેટ થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.
પાલનપુર ઉપરાંત ડીસા, અંબાજી અને થરાદમાં આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે યોજાનારી રથયાત્રા દરમિયાન પાલનપુરમાં ઇતિહાસમાં પ્રથમ વખત જુદા જુદા 11 સ્થળોએ 16 હજાર છોડનું જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મગ, કાકડી અને જાંબુનો 16 હજાર કિલો પ્રસાદ ભક્તોને આપવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં હાથી ઘોડા, ડીજે, ટ્રેક્ટર ભક્ત મંડળીઓ, અખાડા જોડાયા છે. રથયાત્રામાં તલવારબાજી સહિતના દાવપેચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પાલનપુરમાં રથયાત્રાના ઇતિહાસમાં સૌપ્રથમવાર જુદા જુદા સ્થળોએ 16હજાર છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભગવાનની પ્રસાદી રૂપે જુદી જુદી સંસ્થાઓ, મિત્ર મંડળો અને સેવાભાવી દાતાઓ દ્વારા વિનામૂલ્યે છોડ આપવામાં આવી રહ્યા છે.