Site icon Revoi.in

વઢવાણ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે 24 દિવસમાં 1,62,500 મણ ચણા ખેડુતો પાસેથી ખરીદાયા

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં આ વખતે ચણાના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કર્યા બાદ વઢવાણ એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી તા. 10 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે તા. 3 એપ્રિલ એટલે કે છેલ્લા 24 દિવસોમાં 1 મણના 1067ના ટેકાના ભાવે 1,62,500 મણની આવક થઇ હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટયાર્ડ્સમાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદીની શરૂ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો તુવેર, રાયડો, ચણા સહિતના વેચાણ માટે વાહનો સાથે જિલ્લાના એપીએમસીમાં આવી રહ્યાં છે. ત્યારે વઢવાણ એપીએમસીમાં ટેકાના ભાવે રાજય નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકોટમાર્સોલ)) દ્વારા તા. 10 માર્ચ-2023થી ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે વઢવાણ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ટ્રેકટરોમાં ચણા ભરીને તેના વેચાણ માટે આવી રહ્યા છે.  મણના રૂ. 1067ના ટેકાના ભાવે ખરીદી શરૂ થતા તા. 3 એપ્રિલ-2023 સુધી એટલે કે છેલ્લા 24 દિવસો દરમિયાન 1,62,500  મણની આવક થઇ હતી. વઢવાણ પંથકના ખેડૂતો ટ્રેકટરોમાં ચણા લઇને આવતા ટ્રેકટરોની લાઇનો જોવા મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વઢવાણ એમપીએમસીમાં ચણાની ખરીદી શરૂ થતાં વઢવાણ પંથકના 3064 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં 1500થી વધુ ખેડૂતો ચણાના વેચાણ માટે આવી ગયાની સાથે 50 ટકા ખરીદી પૂર્ણ થઇ છે.  પ્રતિદિન  વેચાણ માટે 100 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. ખેડુતોના ટેકાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોમાં પણ ખૂશી છે. ટેકાના ભાવે ખરીદીના ખેડુતોના ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે.