Site icon Revoi.in

ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતના 33 જીલ્લાની  1657  સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી જોઈએ. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં 1657 સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294  શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યની 33 જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં 213, અમદાવાદમાં 98, રાજકોટમાં 83, બનાસકાંઠમાં 81, તાપીમાં 80 મહિસાગરમાં 77 અને દેવભૂમિ દ્વારકામાં 73 શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે.

તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયા ફાળવણીના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? કેન્દ્ર સરકારના જવાબમાં શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.