અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા અને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓને થતી સજામાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016માં રાજ્યમાં 23 ટકા આરોપીઓને ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ હતી જે વધીને વર્ષ 2020માં 17 ટકાના વધારા સાથે 40 ટકા થઈ ચૂકી છે.
એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંચ કેસમાં આરોપીઓને સજા કરવામાં સફળતા મળી હોવાનું મુખ્ય કારણ અધિકારીઓને અને કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમ છે. આધુનિક ટેકનીકના ઉપકરણો અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની તાલીમ અધિકારી અને કર્મચારીઓનું પણ મનોબળ મજબૂત કરે છે. તેથી જે તે આરોપી સામે કાર્યવાહી કરવી અને પુરાવાઓ શોધવા સરળ બને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસીબી સાથે કાયદાકીય સલાહકરના રૂપમાં 7 વકીલની પેનલ, આર્થિક સલાહકારના રૂપમાં 4 સીએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. એક ફોરેન્સિક એક્સપર્ટ, એક ટેક્નિકલ એક્સપર્ટ, એક રેવન્યુ સલાહકાર અને 75 સરકારી વકીલની ફોજ કાર્યવાહી કરી રહી છે. એસીબી તરફથી રજુઆત માટે 12 અધિકારીઓની ટીમ છે. આ ઉપરાંત જીએનએલયુ અને જેએફએસયુના વિદ્યાર્થીઓ પણ એસીબીમાં ઈંટર્નશીપ કરીને મદદરૂપ થાય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સેશન્સ કોર્ટે આ વર્ષે 30 અને હાઇકોર્ટે 7 ભ્રષ્ટાચારના આરોપીઓના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જ્યારે સેશન્સ કોર્ટે 87 આરોપીઓની નિયમિત જામીન અરજ ફગાવી હતી અને હાઇકોર્ટે 2 આરોપીઓની અરજ ફગાવી હતી. આવકથી વધુ સંપત્તિના મામલામાં 9 આરોપીઓને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા ન હોતા અને હાઇકોર્ટે આવા 4 આરોપીઓને જામીન આપ્યા ન હોતા.