પાકિસ્તાની સેનાનું એવિએશન એરક્રાફ્ટ તેની નિયમિત તાલીમ ઉડાણ પર હતું, ત્યારે રાવલપિંડીના મોરા કાલુ ખાતે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર્સ અને 12 સિવિલયનના મોત નીપજ્યા છે.
ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સની પ્રેસ રિલીઝ પ્રમાણે મંગળવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અન્ય 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાની એરફોર્સના એવિએશન વિમાનના ક્રેશ થવાની દુર્ઘટનામાં બંને પાયલટ લેફ્ટિનેન્ટ કર્નલ સાકિબ અને લેફ્ટિનેન્ટ કર્નલ વસીમના મોત નીપજ્યા છે. જ્યારે પાકિસ્તાની એરફોર્સના વિમાન ક્રેશ થવાને કારણે અન્ય ત્રણ ક્રૂ મેમ્બર્સ નાયબ સુબેદાર અફઝલ, હવાલદાર ઈબ્ન અમીન અને હવાલદાર રેહમતે પણ જીવ ગુમાવ્યા છે.
એએફપીએ એક સ્થાનિકને ટાંકીને જણાવ્યું છે કે આ વિમાન ક્રેશની ઘટના રાત્રે બે વાગ્યે બની હતી. મોહમ્મદ સાદિક નામના સ્થાનિકે કહ્યુ છે કે ખૂબ મોટા વિસ્ફોટના અવાજને કારણે હું જાગી ગયો હતો. હું ઘરની બહાર દોડી ગયો હતો અને મે મોટી આગની લપટો જોઈ હતી. અમે બધાં દુર્ઘટનાસ્થળ તરફ ધસી ગયા હતા.
પ્રત્યક્ષદર્શી પ્રમાણે, લોકો અહીં કણસતા હતા. અમે તેમને મદદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આગની લપટો એટલી ઉંચી હતી અને તેની તીવ્રતા એટલી હતી કે અમે કંઈ કરી શક્યા નહીં. મૃતકોમાં એક જ પરિવારના સાત લોકોનો પણ સમાવેશ થાય છે. તેઓ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
અન્ય એક સ્થાનિક ગુલામ ખાને કહ્યુ છે કે તેણે તેના ઘર પર વિમાનનો મોટો અવાજ સાંભળ્યો હતો. વિમાનના ક્રેશ થતા પહેલા તેમા આગ લાગી હતી. તેનો અવાજ ભયંકર હતો.
પાકિસ્તાની સેનાના એવિએશન વિમાનની દુર્ઘટનામાં 17 લોકોના મોત મામલે વડાપ્રધાન ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું છે. રેડિયો પાકિસ્તાન પ્રમાણે ઈમરાન ખાને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થઈ જવાની કામના વ્યક્ત કરી છે.