- NDRFના જવાનોએ 6 લાપત્તા લોકોની શોધખોળ આદરી,
- નદીમાં પૂર આવતા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા,
- મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
મોરબીઃ જિલ્લાના રવિવારે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા હતા, ત્યારે હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાતાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પાણીમાં તણાયા હતા. આ બનાવની ગ્રામજનોએ ફાયરબ્રિગેડને જણા કરતા ફાયરબ્રિગેડ તથા એનડીઆરએફનો કાફલો દોડી આવ્યો હતો. અને ત્વરિત બચાવની કામગીરી હાથ ધરી હતી. NDRF અને SDRFની ટીમે 11 લોકોને બચાવી લીધા છે. જોકે હજુ છ લોકો લાપતા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી વહી રહ્યું હતું. ત્યારે ટ્રેકટરના ચાલકે ધમસમતા પ્રવાહમાં ટ્રેકટર નાખીને કોઝવે પરથી રસ્તો પસાક કરતા ટ્રેકટર ટ્રોલી સાથે પાણીના પ્રવાહમાં તણાયું હતું. ટ્રેકટરની ટ્રોલીમાં 17 લોકો સવાર હતા, અને તમામ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ બનાવની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને તંત્રને જાણ કરતા NDRF તેમજ SDRFની ટીમો દોડી આવી હતી. અને બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી,જો કે, પાણીમાં તણાયેલા લોકોમાંથી 11 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ 6 જેટલા લોકો લાપતા છે તેને શોધી રહ્યા છે. મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઢવાણા ગામના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારે રાતના 9:00 વાગ્યાના અરસામાં ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી આવી ગયું હતું. ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરમાં બેઠેલા 17 લોકો પાણીમાં તણાયા છે. જેમાંથી ચાર વ્યક્તિઓ તરત જ બહાર આવી ગયા હતા. જો કે કેટલા લોકો એકબીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવી લીધા હતાં આમ કુલ 11 લોકોને બચાવાયા છે. જો કે, હજુ સુધી છથી સાત લોકો લાપતા છે.
આ અંગે જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદના ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતુ તેમાં કુલ મળીને 17 વ્યક્તિઓ બેઠેલા હતા. જે પૈકીના ચાર વ્યક્તિઓને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયેલ હતાં. જેને રેસ્ક્યૂ કરીને બચાવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા. આમ 11 લોકોને બચાવી લીધા છે અને જે લાપતા છે તેને શોધવા માટેની કામગીરી NDRF અને SDRFની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. ગામના જ રહેવાસીઓ તેમજ અહીંયાં મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.