પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બસ ખાઈમાં પડતાં 17 શ્રદ્ધાળુઓના મોત
- માર્ગ અકસ્માતની ઘટનામાં 38 વ્યક્તિઓ થયા ઘાયલો
- શ્રદ્ધાળુઓ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા
- વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં લગભગ 17 લોકોના મોત થયાનું જાણવા મળે છે જ્યારે 38 અન્ય ઘાયલ થયા હતા. તીર્થયાત્રીઓ બલૂચિસ્તાનના ખુઝદાર જિલ્લામાં દૂરસ્થ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા ત્યારે હબ શહેરમાં તેમની બસ ખાડામાં પડી ગઈ હતી. જ્યાં અકસ્માત થયો તે સ્થળ કરાચીથી લગભગ 100 કિલોમીટર દૂર છે.
ગૃહમંત્રી મોહસિન નકવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, એવું લાગે છે કે એક વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે બસ ખાઈમાં પડી હતી. તમામ મુસાફરો સિંધ પ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા. નકવીએ કહ્યું, “વાહન બુધવારે બપોરે 2 વાગ્યે થટ્ટાથી નીકળ્યું હતું અને બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે અકસ્માત થયો હતો.”
હબના એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોને કરાચી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક એક જ પરિવારના હતા. પાકિસ્તાનમાં ખરાબ રસ્તાઓ, સલામતીની જાગૃતિનો અભાવ અને ટ્રાફિક નિયમોની સ્પષ્ટ અવગણના ઘણીવાર જીવલેણ અકસ્માતો તરફ દોરી જાય છે. ઈદના તહેવાર ઉપર માર્ગ અકસ્માતની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.