ભાવનગરઃ શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ ગત મોડી રાત્રે ઓવરફ્લો થયો હતો. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામને એલર્ટ કરી દેવાયા છે.
ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ગત મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ ઓવરફ્લો થતાં ડેમના 20 દરવાજા અને બાકીના તમામ 39 દરવાજા આજે સવારે ખોલવામાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 15,340 કયૂસેક પાણીની જાવક થઈ રહી છે.
શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થયો હતો, ત્યાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતાં 39 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતાં 15,340 ક્યૂસેક પાણીની જાવક ચાલુ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. એની સાથોસાથ ભાવનગર જિલ્લાનાં અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારની મોડી રાતથી વરસાદ વરસવાનો શરૂ થયો છે અને 24 કલાકના સમયગાળામાં ભાવનગર શહેર અને જિલ્લામાં એકથી સાડાત્રણ ઇંચ વરસાદ વરસી જવાથી મૂરઝાઇ રહેલાં કપાસ, મગફળી, તલ, બાજરા સહિતના પાકોને નવજીવન મળ્યું હતું. લાંબા સમય બાદ સારોએવો વરસાદ વરસતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશીના ભાવ જોવા મળ્યા હતા, સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ છે. 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 60 મિમી એટલે કે સીઝનના 10 ટકાથી વધુ વરસાદ વરસી ગયો હતો.