નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવમાં રશિયન સૈન્યએ બોમ્બ મારો ચલાવીને વિનાશ વેર્યો છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયઓને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન યુક્રેનમાંથી અત્યાર સુધીમાં લગભગ 17 હજાર જેટલા ભારતીયોને નીકાળવામાં આવ્યા હોવાનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને પગલે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો ફસાયાં હતા. જેથી ભારતીય નાગરિકોને સહી સલામત પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર રશિયા અને યુક્રેન સાથે ચર્ચા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે.
રોમાનિયા સહિતના પડોશી દેશો મારફતે ભારત દ્વારા નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યાં છે. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી. યુક્રેનમાં ફસાયેલા 17 હજાર ભારતીયોને અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યાં છે. ચીફ જસ્ટીસ એનવી રમણ, ન્યાયમૂર્તિ એ.એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠએ એર્ટની જનરલ કે.કે.વેણુગોપાલની બેંગ્લોરની ફાતિમા આહાના અને અન્ય વિદ્યાર્થીઓને નિકાળવા માટેના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
24મી ફેબ્રુઆરીથી સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ મોટી સંખ્યામાં નાગરિકો રોમાનિયા સીમા નજીક પહોંચ્યાં હતા. કેન્દ્ર સરકારે પોતાના નાગરિકોને પરત લાવવા માટે યુક્રેનના પડોશી દેશમાં ચાર કેન્દ્રીય મંત્રીઓને પણ મોકલવામાં આવ્યાં છે.