સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની સુવિધા વધતા જીરૂનું 17289 અને ધાણાનું 25905 હેકટરમાં વાવેતર
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં મોટાભાગના વિસ્તારોને નર્મદાના કેનાલ થકી સિંચાઈનો લાભ મળતો હોવાથી હવે ખેડુતો અન્ય પાક તરફ વળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તમ ગુણવતાના કપાસની દેશ વિદેશમાં પણ માગ છે. ત્યારે ખાસ કરીને શિયાળુ પાકમાં ઝાલાવાડ પંથક જીરૂના પાક માટે જાણીતો છે. પરંતુ આ વર્ષે શિયાળુ વાવેતરની પેટર્ન બદલાઇ છે. કારણ કે દર વર્ષે જિલ્લામાં જીરૂ અને ચણાનું સૌથી વધુ વાવેતર થતું હોય છે જ્યારે આ વર્ષે જીરૂ અને ચણાના વાવેતરમાં ઘટાડો થયો છે. અને ધાણાનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં દર વર્ષે અંદાજે 1.50 લાખ હેકટરથી વધુ જમીનમાં શિયાળું પાકનું વાવેતર કરવામાં આવે છે.
કૃષિ વિભાગના સજણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે 172342 હેકટરમાં કુલ વાવેતર કરાયું હતું. જ્યારે આ વર્ષે 120824 હેકટર જમીનમાં શિયાળુ વાવેતર કરાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળુ વાવેતરમાં 51518 હેક્ટરનો ઘટાડો થયો છે. મહત્ત્વની બાબત એ છે કે દર વર્ષે શિયાળું વાવેતરમાં જીરૂ અને ચણાનું પ્રમાણ વધુ હોય છે. ગત વર્ષે જિલ્લામાં જીરૂનુ 37068 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે 18769 હેકટરમાં વાવેતર થયું છે. જીરૂના વાવેતરમાં 17298નો ઘટાડો થયો છે. જ્યારે ગત વર્ષે 49436 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે માત્ર 22686 હેક્ટરમાં જ ચણાનું વાવેતર થયું છે. આમ શિયાળામાં જે 2 મુખ્ય પાક હતા તેના વાવેતરમાં ઘટાડો થયો છે. તેની સામે આ વખતે 25905 હેકટરમાં ધાણાનું વાવેતર કરાયું છે. આમ આ વખતે શિયાળુ પાકની પેટર્ન બદલાઇ છે.ધાણાની સાથે વરિયાળીનું વાવેતર પણ વધ્યું છે. જીરૂની ખેતી જુગાર માનવામાં આવે છે. તેની કાળજી પણ ખૂબ રાખવી પડે છે. તેમાં રોગનું પ્રમાણ સૌથી વધુ આવે છે. વાતાવરમાં થોડો પલટો આવતાની સાથે જીરૂ બગડી જાય, ઉતારો ઓછો આવે છે. આથી જ ખેડૂતોએ આ વર્ષે પાકની ફેરબદલી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાવેતરમાં જે ઘટાડો નોંધાયો છે તેનુ મહત્ત્વનું કારણ એ પણ હોઇ શકે કારણ કે મોડા વાવેતરને કારણે હજુ પણ ખેતરોમાં કપાસ ઊભો છે. કપાસ વીણી લીધા બાદ ખેડૂતો ઘઉંનું વાવેતર કરે તેવી શકયતા છે. અને આથી હજુ પણ ઘઉંનું વાવેતર વધે તેવી આશા છે.