અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે શરદી,ઉઘરસ, અને તાવ સહિત વાયરલ બીમારીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેની સામે 69 દર્દીઓ સાજા થયા છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. મંગળવારે સાજે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં નવા 176 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 913 દર્દીઓ હાલ સ્ટેબલ છે. મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા હતા. જ્યારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 19 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 18 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા હતા. તેમજ અમરેલીમાં નવા 3 કેસ નોંધાયા હતા. ભરૂચમાં 1 કેસ સામે આવ્યો હતો. અને કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત પણ નીપજ્યું હતું. ભાવનગરમાં નવા 2 કેસ નોંધાયા હતા. દાહોદમાં પણ 1 કેસ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકામાં પણ 1 કેસ નોંધાયો હતો. ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા હતો.. જામનગરમાં 2 કેસ નોંધાયા હતા. જૂનાગઢમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે ખેડામાં 2 કેસ નોંધાયા હતા. નવસારીમાં 3 કેસ નોંધાયા હતા. પાટણમાં 1 કેસ તેમજ પોરબંદરમાં 3 કેસ નોંધાયા હતા.તથા સુરેન્દ્રનગરમાં 1 કેસ અને વડોદરામાં 6 કેસ નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જ્યારે ગામડાંઓ હજુ કોરોનાએ એન્ટ્રી કરી નથી. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું હતુ. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ભરૂચમાં કોરોનાના કારણે વૃદ્ધનું મોત થતા ભરૂચમાં બનાવાયેલા રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી હતી. અમદાવાદમાં કોરોનાના 398 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી એક દર્દી સિવિલ હોસ્પિટલમાં ICU હેઠળ સારવાર હેઠળ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં ભર ઉનાળે વાદળછાંયાં વાતાવરણને કારણે શરદી, ઉઘરસ અને તાવના કેસમાં વધારો થયો છે. ઉપરાંત કોરોના અને H3N2 ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 460 એક્ટિવ કેસ છે.