ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકને 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તો જ ધોરણ-1માં પ્રવેશ મળશે. જો કે આ નિયમ સામે ઘણા વાલીઓએ વિરોધ પણ કર્યો છે. બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં બે-ત્રણ મહિના બાકી હોય તો પણ 1લાં ધોરણમાં પ્રવેશ નહીં મળે. એટલે બાળકોને વધુ એક વર્ષ બાલવાટિકામાં વિતાવવું પડશે. રાજ્ય સરકારે તમામ પ્રાથમિક શાળાઓને બાલવાટિકા શરૂ કરવાની સુચના આપી દીધી છે. ગાંધીનગર જિલ્લામાં 17967 બાળકોને 6 વર્ષ પૂર્ણ થતાં ન હોવાથી ધોરણ-1માં નહીં પરંતુ બાળ વાટિકામાં પ્રવેશ અપાશે.
નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2023-24થી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જેને પરિણામે છ વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશનો નિયમ બનાવ્યો છે. ત્યારે પાંચ વર્ષ પૂર્ણ થયા અને છ વર્ષ પૂર્ણ થયા નથી તેવા 17967 બાળકોને ધોરણ-1માં પ્રવેશ નહીં મળે તેના સ્થાને તેમને બાળવાટીકામાં મોકલાશે અને આવતા વર્ષે તેમને બાળવાટીકામાંથી ધોરણ-1માં પ્રવેશ લેવો પડે. આવા બાળકોને બાળવાટીકામાં રાખીને અભ્યાસ કરાવવા માટે ગાંધીનગર જિલ્લાની 575 પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી બાલવાટીકા શરૂ કરવામાં આવશે.
રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. ઉપરાંત નવી શિક્ષણ નીતિ તેમજ ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે છ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશનો નિયમ બનાવ્યો છે. ત્યારે પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોય અને છ વર્ષ પૂર્ણ થયા નથી તેવા બાળકોને બાલવાટીકામાં પાયાનું શિક્ષણ આપવામાં આવશે. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકા શરૂ કરવામાં આવશે.તેમાં ગાંધીનગર જિલ્લાની 575 સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકા શરૂ કરવામાં આવશે. જોકે ગત શૈક્ષણિક વર્ષ સુધી પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપતા હતા. પરંતુ ચાલુ વર્ષથી છ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશનો નિયમ બનાવ્યો છે. આથી પાંચ વર્ષ પૂર્ણ થયા પરંતુ છ વર્ષ પૂર્ણ થયા નથી. તેવા બાળકોનો રાજ્યના શિક્ષણ વિભાગે સર્વે કરાવ્યો હતો. તેમાં જિલ્લાના 17967 બાળકો હોવાનું સર્વેમાં બહાર આવ્યુ છે. જેમાં દહેગામ તાલુકામાંથી 4817 બાળકો, ગાંધીનગર તાલુકામાંથી 3995 બાળકો, તેમજ કલોલ તાલુકામાંથી 5388 બાળકો, અને માણસા તાલુકામાંથી 3767 બાળકોનો સમાવેશ થાય છે.