પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરીએ ઈન્દોરમાં યોજાશે – 27 વિદેશી ભારતીયોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાશે
- વિદેશી ભારતીયોને કરાશે સમ્માનિત
- 27 લોકોને રાષ્ટ્રપતિ દ્રારા સમ્માનિત કરાશે
દિલ્હીઃ- પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યોજાશે. આ કાર્યક્રમમાં વિદેશી ભારતીયોને વિદેશમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
આ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (PBSA) માટે 27 લોકોની પસંદગી કરવામાં આવી છે. આમાં ભૂટાનના એક શૈક્ષણિક, બ્રુનેઈના ડૉક્ટરથી લઈને ઈથોપિયા, ઈઝરાયેલ અને પોલેન્ડના નાગરિક સમાજના કાર્યકરોનો સમાવેશ થાય છે.
સન્માનિત કરવા માટેના નામોની પસંદગી સમિતિના ઉપાધ્યક્ષ અને વિદેશ મંત્રી એસ જયશંકરની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે સમિતિએ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો માટેના નામાંકનો પર વિચાર કર્યો અને સર્વસંમતિથી પુરસ્કારોની પસંદગી કરી.
જે વિદેશી ભારતીયોને સન્માનિત કરવામાં આવશે તેમાં સાયન્સ ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ઓસ્ટ્રેલિયાના જગદીશ ચેન્નુપતિ, શિક્ષણમાં ભૂટાનના સંજીવ મહેતા, બ્રાઝિલના દિલીપ લુન્ડો, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રે એલેક્ઝાન્ડર મલિકેલનો સમાવેશ થાય છે.
મેડિસિનમાં બ્રુનેઈના જ્હોન, કોમ્યુનિટી વેલ્ફેરમાં કેનેડાના વૈકુંઠમ ઐયર લક્ષ્મણન, કલા અને સંસ્કૃતિમાં ક્રોએશિયાના જોગીન્દર સિંહ નિજ્જર, આઈટીમાં ડેનમાર્કના રામજી પ્રસાદ અને સમુદાય કલ્યાણમાં ઈથોપિયાના કન્નન અંબાલમ. આ સિવાય જર્મનીના અમલ કુમાર મુખોપાધ્યાય, ગયાનાના મોહમ્મદ ઈરફાન અલી, ઈઝરાયેલના રીના વિનોદ પુષ્કર્ણા, જાપાનના મકસુદા સરાફી શિયોતાની, રાજગોપાલ અને મેક્સિકોના અમિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૈલાશ ચંદ્ર લથ, પરમાનંદ સુખુમલ દાસવાણી, પીયૂષ ગુપ્તા, મોહનલાલ હીરા અને સંજયકુમાર શિવભાઈ પટેલ સહિત અનેક નામ સામેલ છે.