અમદાવાદઃ ગુજરાતમાં આજે શુક્રવારે બપોર સુધીમાં 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 22 કલાકમાં પોરબંદરમાં 18 ઈંચ અને જુનાગઢના વંથલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર સહિત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે આખોયે વિસ્તાર જળબંબોળ બની ગયો છે. જ્યારે માણાવદર અને કેશોદના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બીજી બાજુ વેરાવળ અને દ્વારકામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે. પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે. 3 ટ્રેન રદ કરવામા આવી છે. 3 ટ્રેન આંશિક રદ થઈ છે, જ્યારે 2 ટ્રેનના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે. રેલ વ્યવહારને અસર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લીધે પશુઓ તણાયા છે, વાહનો ડૂબ્યા છે. ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. રેલવે ટ્રેક પણ ધોવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે.
પોરબંદરમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર આજે શુક્રવારે પણ યથાવત રહી હતી. ગુરૂવારે બપોરે 12 થી આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 6 થી 10માં વધુ 4 ઇંચ વરસાદ પડતા 22 કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં પાણી ભરાયા છે. જેના કારણે 3 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. જ્યારે 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ – પોરબંદર એકસપ્રેસ જેતલસર સુધી જ પહોંચી શકી છે. જેથી રેલ વ્યવહારને અસર થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે, ચારોતરફ પાણી જોવા મળી રહ્યું છે. 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે, બરડા પથકમાં પણ 10થી 12 ઇંચ વરસાદ પડતાં વાળી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. પોરબંદરના જાણીતા એમ.જી. રોડ, છાયાચોકી રોડ, સુદામાચોક સહિતના વિસ્તારોમાં ઘૂટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરડા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતાં વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને વર્તુ નદી બે કાંઠે વહી હતી. શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ ઓઝત અને મધુવન્તિ નદીમાં પૂર આવ્યું છે.