અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સેવામાં RSSના 180 સ્વયં સેવકો જોડાયા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.મોટાભાગની સરકારી અન ખાનગી હોસ્પિટલો દર્દીઓ હાઉસફુલ ઈ ગઈ છે. આવા વિકટ સમયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ પોતાની પ્રાણની પરવા કર્યા વિના સમાજ માટે બનતું બધું કરી છૂટવા સજ્જ બન્યાં છે. શુક્રવારથી અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટાફના શિરે રહેલો અસહ્ય ભાર હળવો કરવા રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘના 30 વર્ષથી નીચેની વયના 180 નવયુવાન સ્વયંસેવકો કોરોના ડેઝીગન્ટેડે 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાને લગતા વિવિધ કાર્યોમાં સ્વૈચ્છાએ સેવાર્થે જોડાયા છે.
શહેરની સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. હિતેન્દ્ર દેસાઈની દેખરેખ હેઠળ ડૉ. દિવાકર શર્મા અને અન્ય સ્ટાફ દ્વારા આર.એસ.એસ. સ્વયંસેવકોને પી.પી.ઇ. કીટ પહેરવા અને કાઢવાનું, વોર્ડમાં કેવી રીતે સાવધાનીથી કામગીરી કરવાની, કોવિડના ક્યા એરિયામાં કેવી રીતે કામગીરી કરવા જેવી મહત્વની બેઝિક કોવિડ પ્રોટેક્શન અને કોવિડ મેનેજમેન્ટની બાબતોની એક દિવસની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ વયંસેવકો માનવતાની સેવામાં લાગી ગયા છે. 1200 બેડની વિવિધ કોરોનાસંલગ્ન કામગીરીમાં આ સ્વયં સેવકો ત્રણ શિફ્ટમાં લગાતાર સહાયરૂપ બની રહ્યા છે.
હોસ્પિટલના હેલ્પ ડેસ્ક, કંટ્રોલ રૂમમાં પેશન્ટની વિગતો આપવા માટે, પેશન્ટ ડિસ્ચાર્જ એરિયામાં, ડેડ બોડી ડિસ્પોઝલ એરિયા, એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને પાણી પહોંચાડવાથી લઇ અન્ય જે પ્રકારની મદદ થઇ શકે તે માટે બધી જગ્યાએ સિવિલના સ્ટાફને સ્વયંસેવકો સહાય કરશે. અત્યાર સુધી મેડિકલ અને પેરામેડિકલનો મોટી સંખ્યામાં રહેલો સ્ટાફ બોડી ડિસ્પોઝલ, દર્દીના સગાવ્હાલાઓને માર્ગદર્શન જેવી નોન-મેડિકલ કામગીરીઓમાં નાછૂટકે વ્યસ્ત રહેતો હતો. હવે સંઘના સ્વયંસેવકો આવી જવાથી તેમના શિરે રહેલો બોજ ઘણો ઘટવાની ધારણા સેવાઇ રહી છે.
ડો. હિતેન્દ્ર દેસાઈએ આ અંગે કહ્યું હતું કે, “સંઘના સ્વયંસેવકોનું આગમન થવાથી કોવિડ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ આ નોન-મેડિકલ કામગીરીમાંથી ફ્રી થશે, તેમને દર્દીઓની સેવા માટે વધુ સમય અને મોકળાશ મળશે, જેના પગલે મેડિકલ ક્ષેત્રના મહત્વના કામની ગતિ વેગવંતી બનાવવામાં ખુબ સહાયભૂત થશે.” કુલ ૧૮૦ સ્વયંસેવકો ૬૦-૬૦ના જૂથમાં કુલ ૩ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. શુક્રવારથી આવેલા 180 સ્વયંસેવકો 15 દિવસ માટે આવ્યા છે. ત્યાર પછીના 15 દિવસ આરએસએસના બીજા સ્વયંસેવકો આવશે, જેમની ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. કોરોનાની સ્થિતિ જ્યાં સુધી પૂરી કંટ્રોલમાં ન આવી જાય ત્યાં સુધી આરએસએસના સ્વયંસેવકો એક પછી એક બૅચ આ જ રીતે આવ્યા કરશે.