ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે સરકારના પ્રયાસો છતાં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો ખેતીમાં વપરાશ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ખેડુતો રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પણ ખેડુતો સાથે વાર્તાલાપ અને શિબિરો યોજીને અનેક ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે. છતાં પણ હજુ ઘણાબધા ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવાની લાલસાએ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1800 મેટ્રિક ટન કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ-ખાદ્યપેદાશો લોકો સ્વાસ્થય માટે જોખમી બની રહી છે. તેમ છતાંય ગુજરાતના ઘણાબધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી શક્યા નથી.
ગુજરાતમાં મોટાભાગના ખેડુતો પોતાના ખેતરોમાં જીવજંતુથી પાકને બચાવવા માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોમાં જંતુનાશક દવાનો વધુ પ્રમાણમાં ઉપયો થાય છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પ્રતિ હેક્ટર 331 ગ્રામ કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ થઇ રહ્યો છે. કૃષિ પાકને કીટનાશકોથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરાય છે. પરંતુ તેની લોકો સ્વાસ્થય પર ગંભીર અસર થઇ રહી છે. ઝેરી જંતુનાશક દવાના ઉપયોગથી ઉત્પાદિત અનાજ-ખાદ્યપદાર્થને કારણે કેન્સર જેવી ગંભીર બિમારીને નોતરુ મળી રહ્યું છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2021-22માં 1839 મેટ્રિક ટન, વર્ષ 2022-23માં 1747 મેટ્રિક ટન અને વર્ષ 2023-24માં 1835 મેટ્રિક ટન કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એછે કે, બિહાર, ગોવા, મઘ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરાલા, ઝારખંડ અને ઉતરાખંડની સરખામણીમાં ગુજરાતમાં કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ચિંતાજનક હદે ઉપયોગ થઇ રહ્યો છે.જો કે, પંજાબ, મહારાષ્ટ્ર, યુપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં જંતુનાશક દવાનો સૌથી વઘુ વપરાશ થાય છે.
ગુજરાતમાં વર્ષ 2021-22માં 392 ટન, વર્ષ 2022-23માં 548 ટન અને વર્ષ 2023-24માં 578 ટન જૈવિક જંતુનાશક દવાનો વપરાશ થયો છે. કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ થઇ રહ્યો છે. કેમિકલયુક્ત જંતુનાશક દવાની સરખામણીમાં જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ સરવાળે ઓછો થઈ રહ્યો છે.