ગાંધીનગરઃ ગુજરાતમાં બીન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી શાળા સંચાલકો દ્વારા માગણી કરવામાં આવતી હતી. આખરે સરકારે 1831 આચાર્યોની ખાલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવાનો નિર્ણય લીધા બાદ ભરતીનો પ્રારંભ કર્યો છે. જેમાં ગાધીનગર જિલ્લાની શાળાઓ માટે 5 આચાર્યોની પસંદગી બાદ તેમણે શિક્ષણ મંત્રી ડો. કૂબેર ડિંડોરના હસ્તે નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા.
રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળઓમાં આચાર્ય માટેની ભરતી 2023 અન્વયે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડીંડોરના હસ્તે ગાંધીનગર જિલ્લામાં પાંચ આચાર્યોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર જિલ્લાની 73 શાળાઓ પૈકી આઠ શાળાઓમાં આચાર્યની નિમણૂક કરવા માટેના ઇન્ટરવ્યુ આધારશિલા હાઇસ્કુલ, વલાદ ખાતે યોજવામાં આવ્યા હતા. આ આઠ શાળાના આચાર્યોની પસંદગી માટે યોજાયેલ ઇન્ટરવ્યુમાં પાંચ ઉમેદવારોની આચાર્યપદ માટે પસંદગી કરવામાં આવી હતી.
રાજ્યના 33 જિલ્લાઓમાં થતી આચાર્ય માટેની આ નિમણૂક બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની ગુજરાત રાજ્ય કક્ષાની આચાર્ય ભરતી પસંદગી સમિતિની દેખરેખ હેઠળ સંપૂર્ણપણે ઓનલાઈન પદ્ધતિથી પસંદગી કરીને ઇન્ટરવ્યુમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારને એ જ દિવસે નિમણૂક પત્ર આપવામાં આવે છે. જે અંતર્ગત આગામી 22 ઓગસ્ટ, 2023 સુધી ચાલનારા આ ભરતી પ્રક્રિયામાં અંદાજે 150 થી 200 આચાર્યને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે જ્યારે બાકીના આચાર્યની નિમણૂક આવનારા દિવસોમાં કરવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાઘિકારી ર્ડા. બી.એન.પ્રજાપતિ, સંચાલક મંડળના હોદ્દેદાર સંજયભાઇ રાવલ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રદિપસિંહ ચાવડા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા પ્રમુખ પ્રહલાદ પટેલ અને વિવિઘ શાળાઓના સંચાલક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (file photo)