અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી ગુજરાતના 184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. રાજ્યના મત્સ્ય વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ,સચિવ ભીમજીયાની, મત્સ્યઉદ્યોગ નિયામક નીતિન સાંઘવાન દ્વારા વડોદરા આવી પહોંચેલા તમામ માછીમારોનું સ્વાગત કર્યું હતું . આ તમામ માછીમારોને પોલીસ બંદોબસ્ત સાથે 4 બસો દ્વારા વેરાવળ જવા રવાના કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું તેમના પરિવાર સાથે મિલન થશે.
આ કેદીઓ સાડાત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહયા હતા. આ સમયે માછીમારોના ચહેરા પર તેમની વતન વાપસીની ખુશી જોવા મળી હતી. જો કે, માછીમારોએ પાકિસ્તાનની જેલમાં પડેલી યાતનાઓ વિષે પણ વાત કરી હતી. પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારોમાં કોઇ 3 વર્ષથી તો કોઇ 8 વર્ષથી કરાચી જેલમાં બંધ હતા. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી છે. પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાંથી 184 માછીમારો ગુજરાતના છે. પાકિસ્તાનની જેલમાં હજુ પણ કેટલાક ભારતીય માછીમારો સજા ભેગવી રહ્યાં છે. આ માછીમારોને પણ ઝડપથી મુક્ત કરાવવાની માંગણી ઉઠી છે.