નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ગરમીએ કહેર મચાવી દીધો છે. આકરી ગરમીના કારણે મોતનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં એક જ દિવસમાં હીટસ્ટ્રોક અને ગરમીના કારણે 189 લોકોના મોત થયા હતા. જેમાં શનિવારે યોજાનાર મતદાન માટે ચૂંટણી ફરજ પર તૈનાત 19 પોલિંગ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહારમાં પણ 10 મતદાન કાર્યકરોએ જીવ ગુમાવ્યો હતો. કાનપુર અને મથુરા 48.2 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યા હતા. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર નોંધાયો હતો. તીવ્ર સૂર્યપ્રકાશ સાથે, ગરમીનું મોજું પણ હતું. વારાણસી અને આસપાસના વિસ્તારોમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 18 લોકો 43 ડિગ્રીની આકરી ગરમીમાં મૃત્યુ પામ્યા. સાતમા તબક્કાની ચૂંટણી માટે તમામ મતદાન પક્ષો સાથે જવાની તૈયારી કરી રહ્યા હતા. એકલા મિર્ઝાપુરમાં આઠ હોમગાર્ડ અને એક સુરક્ષાકર્મીનું મોત થયું છે.
દરમિયાન ઉત્તર ભારતમાં અત્યારે ઘાતક ગરમી પડી રહી છે. હીટ વેવ અને લૂના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જિલ્લામાં વધતા તાપમાનથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ હોસ્પિટલમાં લૂ લાગવાથી થતી બીમારીઓમાં દર્દીની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના કારણે બેગુસરાય, મુઝ્ઝફરપુર અને પૂર્વી ચંપારણ સહીત અનેક વિસ્તારોમાંથી સરકારી શિક્ષકો પણ બેભાન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.