Site icon Revoi.in

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ વરસ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન 24 કલાકમાં 32 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં નોંધાયો હતો. રાજ્યની મેગાસિટી અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક સ્થળો ઉપર પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 69.22 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સારા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન પાટણના સરસ્વતી, અરવલ્લીના ભીલોડામાં પણ સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું. પાટણ શહેરમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ થતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયાં હતા. બનાસકાંઠામાં સર્વત્ર એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં ચાર ઇંચને બાદ કરતાં અન્યત્ર એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લી, ગાંધીનગર, મહેસાણામાં પણ એકથી અઢી ઇંચ વરસાદ થયો હતો. છોટા ઉદેપુર, આણંદ અને ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્યથી હળવો વરસાદ હતો. તાપી, નર્મદા અને ભરુચ જિલ્લામાં સર્વત્ર એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

સમગ્ર રાજ્યમાં સરેરાશ 11.74 મીમી પાણી વરસ્યું હતું. અત્યાર સુધીનો કુલ વરસાદ 588.50 મીમી નોંધાયો છે જે સિઝનનો 69.22 ટકા થવા જાય છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 117.16 ટકા વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત ઉતર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ નોંધાયો છે.