ચીન બોર્ડર પર રોડ નિર્માણમાં લાગેલા 19 મજૂરો ગુમ,કુમી નદીમાં ડૂબી જવાથી મોતની આશંકા
દિસપુર:અરુણાચલ પ્રદેશમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.ભારત-ચીન બોર્ડર પર કામ કરતા મજૂરોની એક ટુકડી, જેમાં દોઢ ડઝનથી વધુ કામદારોનો સમાવેશ થાય છે, તે એક અઠવાડિયાથી ગુમ છે. કુમી નદીમાં ડૂબી જવાથી 19 મજૂરોના મોત થયા હોવાની આશંકા છે.
આ મજૂરો ચીનની સરહદ પાસે રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા અને ઈદના અવસર પર આસામમાં પોતાના ઘરે જવા માંગતા હતા. મજૂરોએ કોન્ટ્રાક્ટર પાસે ઘરે જવા માટે રજા માંગી હતી, પરંતુ જ્યારે માંગ ન સ્વીકારાઈ ત્યારે તેઓ બધા પગપાળા આસામ જવા રવાના થઈ ગયા. આ જ માર્ગે મજૂરો સાથે આ અકસ્માત થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામને બીઆરઓ દ્વારા રોડ નિર્માણ માટે અરુણાચલમાં લાવવામાં આવ્યા હતા અને ઈદના અવસર પર તેઓને આસામમાં તેમના ઘરે જવાનું હતું. કોન્ટ્રાક્ટરને ઘણી વખત કહેવામાં આવ્યું હતું કે મજૂરોને છૂટા કરવામાં આવે, પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટર સહમત ન થયો, પછી આ બધા મજૂરો પગપાળા આસામ જવા રવાના થયા. સમાચાર અનુસાર, આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમે જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા.
જો કે ડેપ્યુટી કમિશ્નર દ્વારા ઘટનાસ્થળેથી માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તમામ મજૂરોના મોત થયા છે. મંગળવારે બીજી ટીમને સ્થળ પર મોકલવામાં આવશે અને બાકીના મજૂરોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.