- પ્રસાદમાં ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા
- ભાવિકોમાં ચીકી કરતા મોહનથાળને પ્રસાદમાં પ્રથમ પસંદગી,
- અંબાજી મંદિરને 500 ગ્રામથી વધુ સોનું ભેટમાં મળ્યું
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાની ગઈકાલે પૂર્ણ થયો હતો. સાત દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદરૂપે મોહનથાળના 19 લાખ પેકેટો વેચાયા હતા. જ્યારે ચીકીના પ્રસાદના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા. આમ ભાવિકોએ પ્રસાદમાં ચીકી કરતા મોહનથાળની ખરીદી વધુ કરી છે.
ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો મેળો ગઈકાલે બુધવારે પૂર્ણ થયો હતો. ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો હતો. ગઈકાલે ભાદરવી પૂનમને લઈ અનેક સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવી માતાજીનો આશીર્વાદ લીધા હતા. આ વખતે 32 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યાં હતા. જ્યારે 500 ગ્રામ સોનું માતાજીને ભેટ સ્વરૂપે આવ્યું હતું. આ વર્ષે ચીકીનો પ્રસાદ મોહનથાળ સામે ફીકો પડ્યો હતો.
આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં 32.54 લાખ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યાં હતા. આ વર્ષે માતાજીને 504.67 ગ્રામ સોનું દાનમાં આવ્યું હતું. જો પ્રસાદની વાત કરવામાં આવે તો ચીકીનો પ્રસાદ આ વર્ષે મોહનથાળની સામે ફીક્કો પડ્યો છે. મોહનથાળના 19.59 લાખ પેકેટ્સની સામે ચીકીના માત્ર 40 હજાર બોક્સ વેંચાયા હતા શાંતિપૂર્ણ માહોલમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં મહિલા પોલીસકર્મી અને વ્યવસ્થા સંચાલનમાં ફરજ બજાવતા કર્મચારીઓ ચાચરચોકમાં ગરબે રમ્યા હતા.