રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. માત્ર રાજકોટ જિલ્લામાંથી જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી પણ ખેડુતો કૃષિપાક વેચવા માટે રાજકોટના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે
સોમવારે યાર્ડમાં જીરૂની 19,000 ગુણીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. જેમાં રૂ. 4,600થી 5,200નાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઘઉં-ધાણા-મેથીના પાકની પણ સારીએવી આવક થઈ હતી. યાર્ડ બહાર સોમવારે પણ વાહનોની લાઈનો જોવા મળી હતી. હોળીની રજાઓ સુધી આવકમાં સતત વધારો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા તેમજ સાનુકૂળ વાતાવરણને લીધે રવિપાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. હવે રવિ સીઝન પૂર્ણ થતાં જ ખેડુતો ખેત પેદાશો વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીઓની ભરપૂર આવક જોવા મળી રહી છે. જેમાં સોમવારે જીરૂની 19,000 ગુણીની રેકાર્ડબ્રેક આવક થઇ હતી. જોકે ચણામાં શનિવારનો પડતર માલ હોવાથી આવકો પર રોક લગાવવામાં આવી હતી. જેની હરરાજીમાં રૂ. 1000થી રૂ.1132ના ભાવ હતા. જ્યારે ઘઉંની 12,500 ગુણી તથા ધાણાની 21,000 ગુણી અને મેથીની 4,000 ગુણીની આવક નોંધાઈ હતી.
રાજકોટના યાર્ડમાં સોમવાર સવારથી જ કૃષિ જણસીઓ ભરેલા 900થી વધુ વાહનો ખડકાયા હતા અને યાર્ડ તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા તમામ વાહનોને વારાફરતી પ્રવેશ આપવા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમવારે હરાજીમાં ઘઉં લોકવનના રૂ. 476થી રૂ. 536 તથા ઘઉં ટુકડાના રૂ. 503થી રૂ. 578ના ભાવ હતા તો ધાણામાં રૂ. 1411થી રૂ. 1880 તથા ધાણીના રૂ.1500થી રૂ. 2350 બોલાયા હતા. મેથીના રૂ. 1050થી 1450ના ભાવ હતા. ઘઉં, જીરૂ, ધાણા જેવી જણસીઓની ચિક્કાર આવક થતા યાર્ડમાં સર્વત્ર જણસીઓના ઢગલા જોવા મળ્યા હતાં.