Site icon Revoi.in

ગુજરાતમાં શિક્ષકોની 19000 જગ્યા ખાલી, ભરતી માત્ર 5100ની કરાતા ઉમેદવારોએ આપી ચીમકી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 19000 ખાલી જગ્યાઓની સામે વિદ્યાસહાયકની માત્ર 5100 જગ્યાઓ ભરવામાં આવી છે. જ્યારે તેની સામે પ્રવાસી શિક્ષકોની 10500ની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જેને પરિણામે વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોને  અન્યાય થઈ રહ્યો છે.  તેના વિરોધમાં વિદ્યાસહાયક ઇમેદવારો  ભાજપ વિરૂદ્ધ મતદાન કરીને અન્ય લોકોને મતદાન નહી કરવાનો પ્રચાર કરશે તેવી ચીમકી ઉચ્ચરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ સવિશેષ છે. વિપક્ષોએ પણ ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્ય સરકારમાં કરાર આધારિત અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કે સરકારે ચૂંટણી ટાણે ખાલી જગ્યાઓ ભરવાની પ્રકિયા આરંભી છે. પરંતુ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી અંદાજે 19000 જેટલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. જોકે તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની ભરતી કરી છે. તેમાં બે તબક્કામાં માત્ર 5100 વિદ્યાસહાયકોની ભરતી કરી છે. તેમ છતાં હજુ શાળાઓમાં અંદાજે 14000 જેટલી જગ્યાઓ ખાલી છે. પરંતુ વિદ્યાસહાયકની ભરતી નહી કરીને ટેટ પાસ ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગે યુદ્ધના ધોરણે 10500 પ્રવાસી શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી છે. જોકે વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગ કરવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ નક્કર નિર્ણય લેવામાં આવતો નહી હોવાનો આક્ષેપ વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારો કરી રહ્યા છે.