Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના 191 બાળકોને હ્રદયરોગ અને 143ને કેન્સરની બિમારી

Social Share

સુરેન્દ્રનગરઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં હાર્ટની બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. જેમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન વર્ષ 2021માં 224, 2022માં 235 અને 2023માં સપ્ટે. અંત સુધીના 9 માસમાં 191 હ્રદયરોગના બાળદર્દી નોંધાયા છે. એટલે કે,  જિલ્લામાં છેલ્લા 9 મહિનામાં 191 બાળકોને હૃદયની બીમારી જણાતા સરકારી ખર્ચે બાળકોની સારવાર કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં છેલ્લા 9 મહિનામાં આરોગ્ય તપાસ દરમિયાન બાળકોમાં હાર્ટ સંબંધિત રોગોની સંખ્યા વધી છે. જિલ્લામાં પણ દર મહિને સરેરાશ 21 જેટલા બાળકોને હાર્ટની બીમારી ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત માત્ર હાર્ટની જ બિમારી નહીં પણ છેલ્લા ત્રણ વર્ષમાં સમયાંતરે કરાયેલી આરોગ્ય તપાસણીમાં 143 બાળકોને કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીના કહેવા મુજબ ,જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ પ્રાથમિક શાળાઓમાં જઈને સમયાંતરે બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં હૃદય સહિતની કેટલીક બીમારીના બાળકોનું રિપીટેશન એટલે કે એકવાર સારવાર બાદ વધુ સારવારની જરૂર હોય તો તે ફરીવાર નોંધાયા હોય છે. 3 વર્ષમાં હૃદય, કિડની, કેન્સર, થેલેસીમિયાની બીમારીના 1365 બાળકો શોધી કઢાયા હતા. જેમને આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આખુ વર્ષ બાળકોની તપાસ થતી હોય છે. ઉપરાંત બાળકોમાં જે હૃદયની બીમારી જોવા મળે છે તેમાં મોટા ભાગે જન્મજાત ખોડખાંપણ કે હૃદયમાં કાણું જોવા મળે છે. કેટલાક કિસ્સામાં હૃદયનો વાલ બગડેલો હોય, કેટલાકમાં ધબકારા અનિયિમિત હોય છે. નખની ફિકાસ તેમજ શ્વાસ ચડવા સહિતના લક્ષણોથી પ્રાયમરી નિદાન કરવામાં આવતું હોય છે. બાળકમાં કોઇ ગંભીર પ્રકારની બીમારી જણાઇ આવે તો તેની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.