1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?
નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.
1951-52ની પહેલી લોકસભા ચૂંટણી-
અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં લોકસભાની 489 બેઠકો માટે વોટિંગ થયું હતું અને તેમાં કોંગ્રેસને 364 બેઠકો મળી રહતી, જ્યારે ભારતીય જનસંઘને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. આ ચૂંટણીમાં ડાબેરીઓને 27 અને સમાજવાદીઓને 12 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1957ની બીજી લોકસભા ચૂંટણી-
494 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ 371 બેઠકો સાથે સૌથી આગળ રહી હતી. ડાબેરીઓને 27, સમાજવાદીને 19 અને જનસંઘને 4 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1962ની ત્રીજી લોકસભા ચૂંટણી-
494 બેઠકો માટે થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 361, ડાબેરીઓને 29, પ્રજા સમાજવાદીને 12 અને જનસંઘને 14 બેઠકો પ્રાપ્ત થઈ હતી
1967ની ચોથી લોકસભા ચૂંટણી-
520 બેઠકો માટે 1967માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આગળ તો રહી, પણ તેની બેઠકો 300ની નીચે પહોંચી હતી. કોંગ્રેસને 283, જનસંઘને 35, સીપીઆઈને 23 અને સીપીએમને 19 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પ્રજા સમાજવાદી પાર્ટીને 12 બેઠકો મળી હતી.
1971ની પાંચમી લોકસભા ચૂંટણી-
518 બેઠકો માટે 1971માં કોંગ્રેસને 352 બેઠકો મળી, સીપીએમને 25, સીપીઆઈને 24, ડીએમકેને 23 અને જનસંઘને 21 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1977ની છઠ્ઠી લોકસભા ચૂંટણી-
આઝાદી બાદ આંતરીક કટોકટીમાંથી પસાર થયેલા ભારતમાં રાજકીય પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. 1977માં જનતા પાર્ટીએ કોંગ્રેસને આકરી પછડાટ આપી હતી. જનતા પાર્ટીને 542માંથી 298 અને કોંગ્રેસને માત્ર 154 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1980ની સાતમી લોકસભા ચૂંટણી-
1980ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી અને તેને 353 બેઠકો પ્રાપ્ત થઈ. જનતા (સેક્યુલર)ને 41, સીપીએમને 36, સીપીઆઈને 11 અને ડીએમકેને 16 બેઠકો મળી હતી
1984માં લોકસભાની આઠમી ચૂંટણી-
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 194માં કોંગ્રેસને સહાનુભૂતિ મળી અને સૌથી મોટી 415 બેઠકો સાથેની જીત મેળવી હતી. ત્યારે ભાજપની રચના થવાને થોડાક વર્ષો વીત્યા હતા અને તેને માત્ર 2 બેઠકો મળી હતી. 1984માં ટીડીપીને 28, સીપીએમને 22, સીપીઆઈને 6 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1989ની નવમી લોકસભા ચૂંટણી-
કોંગ્રેસને 197, જનતાદળને 141 , ભાજપને 86, સીપીએમને 32, સીપીઆઈને 12 અને ટીડીપીને 2 બેઠકો મળી હતી
1991ની દશમી લોકસભા ચૂંટણી-
કોંગ્રેસને 232, ભાજપને 119, જનતાદળને 59, સીપીએમને 35, સીપીઆઈને 12 અને ટીડીપીને પણ 13 બેઠકો મળી હતી
1996ની 11મી લોકસભા ચૂંટણી-
1996માં ભાજપ પહેલીવાર સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને 13 દિવસની સત્તામાં આવી. ભાજપને 161, કોંગ્રેસને 140, જનતાદળને 46, સીપીએમને 32, સમાજવાદી પાર્ટીને 17, ટીડીપીને 16, સીપીઆઈને 12 અને બીએસપીને 11 બેઠકો પ્રાપ્ત થઈ હતી
1998માં 12મી લોકસભા ચૂંટણી-
ભાજપ 182 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની. કોંગ્રેસને 141, સીપીએમને 32, સમાજવાદી પાર્ટીને 20, ટીડીપીને 12, સીપીઆઈને 9 અને બીએસપીને 5 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1999માં 13મી લોકસભા ચૂંટણી-
ભાજપને 1999માં 182 બેઠકો મળી અને તેને નેતૃ્ત્વમાં એનડીએની સરકાર સત્તામાં રહી અને ત્યારે કોંગ્રેસને માત્ર 114 બેઠકો પ્રાપ્ત થઈ હતી .
2004માં 14મી લોકસભાની ચૂંટણી-
2004માં કોંગ્રેસને 145, ભાજપને 138 બેઠકો મળી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર સત્તામાં આવી હતી.
2009માં 15મી લોકસભા ચૂંટણી-
કોંગ્રેસને 206 અને ભાજપને 116 બેઠકો મળી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર સત્તામાં રહી હતી.
2014ની 16મી લોકસભા ચૂંટણી-
ભાજપને 282 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી, કોંગ્રેસ 44માં સમેટાઈ ગઈ. એઆઈએડીએમકેને 37 અને ટીએમસીને 34 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
2019માં 17મી લોકસભા ચૂંટણી-
2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને પ્રચંડ બહુમતી મળી. ત્યારે ભાજપનો 303 બેઠકો પર વિજય થયો હતો અને કોંગ્રેસને 52 બેઠકો મળી હતી.
2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સત્તામાં રહી. જેવી રીતે 1951-52માં પહેલીવાર લોકસભા માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ એકતરફી રીતે જીતી હતી, તેવી રીતે ગત બે ચૂંટણીઓમાં ભાજપને પણ જનતાએ જીત આપી હતી. હવે 2024ની લોકસભાની ચૂંટણી પર સૌની નજર છે.