સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો રદ કરવામાં આવ્યા હતા. ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે કે 38 વિદ્યાર્થિનીઓ પણ ચોરી કરતા પકડાઈ હતી. મોટા ભાગના કોપી કેસ સ્માર્ટવોચ અને માઇક્રો ઝેરોક્ષના કરવામાં આવ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એફવાય બીસીએની સેમ. એકની પરીક્ષામાં એક, ટીવાય બીકોમની સેમ. ફાઇનલની પરીક્ષામાં 167 અને ટીવાય બીબીએની સેમ. ફાઇનલની પરીક્ષામાં 28 મળી કુલ 196 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. જે પૈકી 20 ટકા વિદ્યાર્થિનીઓ હતી. મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ, માઈક્રો ઝેરોક્ષ અને કાપલી લઈને આવ્યા હતા. આ સાથે જ ઘણા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે રાઈટિંગ પેડની પાછળ, હાથ અને પગ પર જવાબ લખીને આવ્યા હતા. યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં શૂન્ય માર્ક આપવા સાથે રૂ. 500ની પેનલ્ટી લગાવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બીબીએની ફાઇનલ યરની પરીક્ષામાં બે મિત્ર સ્માર્ટ વોચમાંથી ચોરી કરતા પકડાયા હતા. બિઝનેસ રિસર્ચ વિષયની પરીક્ષામાં બંને મિત્ર આખી બૂક જ સ્માર્ટ વોચમાં પીડીએફ બનાવી લાવ્યા હતા. પરીક્ષા દરમિયાન બંને મિત્ર સતત તેની સ્માર્ટ વોચમાં ટેપ કરતા હતા. જેથી સુપરવાઈઝરને શંકા ગઈ હતી. ત્યારબાદ સુપ્રિટેન્ડન્ટ બોલાવી તપાસ કરતા કોપી કેસ કર્યો હતો. યુનિવર્સિટીને બંને વિદ્યાર્થીઓને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં બંને વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ બંનેના જે તે વિષયના માર્ક શૂન્ય આપવા સાથે રૂ. 500વી પેનલ્ટી કરી હતી. જ્યારે ટીવાય બીકોમની ફાઇનલ યરના સેમેસ્ટર પાંચની પરીક્ષામાં એક વિદ્યાર્થી પોતાની આગળ બેઠેલી વિદ્યાર્થિનીના આન્સર બૂકમાંથી જવાબ લખી રહ્યો હતો. દરમિયાન ફ્લાઈંગ સ્કવોડની એન્ટ્રી થઈ હતી. જેમના ધ્યાને આ બાબત આવતા બંનેની આન્સર શીટ ચેક કરી હતી. જેમાં બંનેના જવાબ સરખા જોવા મળ્યા હતા. જેથી કોપી કેસ કરી બંનેના જે તે વિષયના માર્ક શૂન્ય કરી દીધા હતા.