અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધવાને લીધે હાલ નાના-મોટા શહેરોમાં અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પણ તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, અને વોલન્ટિયર્સની ખેંચ તંત્રને સતાવી રહી છે. જેથી એનએસએસ વોલન્ટિયર્સને કોવિડ હોસ્પિટલોમાં વિવિધ કામગીરી માટે નિમણૂક આપવાની મંજૂરી આરોગ્ય વિભાગે આપી છે. આ સ્વયંસેવકોને કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીના સહાયક તરીકેની કામગીરી સોંપાશે.
રાજ્યમાં કોવિડ કેર સેન્ટરો પર એનએસએસના વોલિન્ટિયર્સની મદદ લેવામાં આવશે. તેમને એકાદ-બે દિવસની તાલીમ પણ આપવામાં આવશે. એનએસએસ વોલન્ટિયર્સ પાસે હેલ્પ ડેસ્ક મેનેજમેન્ટ, લાઇન અને એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ, ડેટા એન્ટ્રી, રજિસ્ટ્રેશન, મેનેજમેન્ટની કામગીરી, કોવિડ દર્દીઓનાં સગાં સંબંધીઓ સાથે કાઉન્સેલિંગ અને મદદની કામગીરી ઉપરાંત કલેક્ટરને યોગ્ય જણાય તે કામગીરી સોંપી શકાશે. NSS કેડેટ્સને કામગીરી સોંપતા પહેલા જિલ્લાની મેડિકલ કોલેજો અને આરોગ્ય કચેરી દ્વારા ઓનલાઇન ટ્રેનિંગ આપવાની રહેશે અને ત્યારબાદ તેમને કોવિડ હોસ્પિટલમાં કામગીરી માટે મૂકી શકાશે. જોકે કેડેટ્સનું પ્રાયોરિટીમાં વેક્સિનેશન કરાશે. આરોગ્ય વિભાગે તૈયાર કરેલી યાદી મુજબ કુલ 2.26 લાખ સ્વયંસેવકોની સેવા મળી શકે તેમ છે.