ગુજરાત: 2.35 લાખ શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે રૂ. 263 કરોડની સહાય ચુકવાઈ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનો વ્યાપાર ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર્સને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત નાણાકીય સહાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે 26 શેરી ફેરિયાઓને કુલ 6.10 લાખની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતાં.
મુખ્યમંત્રીએ પી.એમ. સ્વનિધિ ઉત્સવમાં કહ્યું કે, ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2.35 લાખ શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે રૂપિયા 263 કરોડની સહાય આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નાના વ્યવસાયકારો, ગરીબ માનવીઓ, ફેરિયાઓને કોવિડ મહામારીને કારણે આવેલા કપરા સમયમાંથી બહાર લાવી આર્થિક આધાર આપવા વડાપ્રધાનએ ‘સૌના સાથ, સૌના વિકાસની’ નેમ અને પરિવારભાવથી આ યોજના શરૂ કરી છે.
સમગ્ર દેશમાં આ પરિવારભાવ જાગે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે સૌના પ્રયાસથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા તેમણે સૌને પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ અમૃત મહોત્સવ વર્ષમાં પી.એમ. સ્વનિધિ યોજનાથી લાભાર્થીઓને વ્યવસાયને આગળ ધપાવવાનો અમૃત અવસર મળશે.
કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે કહ્યું કે, અંત્યોદયથી સર્વોદય માટેની કોઈ યોજના એટલે પીએમ-સ્વનિધિ યોજના. ગુજરાત એક પવિત્ર ભૂમિ છે કે જ્યાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી વિભૂતિઓનો જન્મ થયો છે. વડાપ્રધાનની કલ્પનાવાળું નવું ભારત એટલે જાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી અને પ્રદૂષણ મુક્ત ભારત તથા સુશિક્ષિત-સ્વસ્થ ભારત.
તેમણે વધુમાં કહ્યું કે, બેન્કિંગ ફોર અનબેકર્સ અર્થાત્ જે નાગરિકો પાસે બેન્ક ખાતું નથી તેમનું ખાતું ખોલવું, સિક્યુરિગ ફોર અનસિક્યોર અર્થાત્ દરેક નાગરિકને દરેક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવી, ફંડિંગ ફોર અનફંડેડ અર્થાત્ જે નાગરિકોને નાણાંની જરૂર હોય તેમને નાણાકીય સહાય પૂરી પાડવી જેવા વિચારો સાથે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે સરકારે જન ધન યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ આયુષ્યમાન ભારત યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ મુદ્રા યોજના જેવી અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.