પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રીક ટન ઘઉંની અછત, લોકો લોટ લેવા કલાકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યાં
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે. બીજી તરફ ઘઉંના લોટને લઈને પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં ઘઉંના લોટની બોરીઓ લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે. પાકિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિને નાણા મંત્રી અલ્લાહની મરજી કહીને સરકારનો બચાવ કરી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રિક ટન ઘઉંની અછત હોવાનું સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઓપન માર્કેટમાં US ડોલર સામે પાકિસ્તાની રૂપિયો 262.6 પર પહોચી ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રી તારિક બશીર ચીમાએ સંસદના ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન ઘઉંની અછતનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે દેશમાં કુલ 28.42 મિલિયન ટન ઘઉં છે. જેમાં ઘઉંનું ઉત્પાદન 26.389 મિલિયન ટન અને કેરી ફોરવર્ડ સ્ટોક 2.031 મિલિયન ટન હતો. પરંતુ પાકિસ્તાનનો વપરાશ 30.79 મિલિયન મેટ્રિક ટન છે. આ કારણે 2.37 MMTની અછત છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ઘઉંના લોટની ખરીદી માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે, લોકો લોટ લેવા માટે 24-24 કલાક લાઈનમાં ઉભા રહે છે. બીજી તરફ લોટની ખરીદીને પગલે મારામારીના બવાનો સામે આવી રહ્યાં છે. જેથી જ્યાં ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં સુરક્ષાનો કારણોસર સૈનિકો તૈનાત કરવામાં આવ્યાં છે. ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાન વિસ્તારના ઘણા વિસ્તારોમાંથી ઘઉંની અછતને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. પાકિસ્તાનમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે શરીફ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન સરકાર દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહી છે પરંતુ મોટાભાગના દેશો પાકિસ્તાનની આતંકવાદી છબીને કારણે સમર્થન આપવાનું ટાળી રહ્યાં છે.