ગુજરાતમાં લીધે ખરીફ પાકનું 2.62 લાખ હેકટરમાં વાવેતર, સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ
અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લીધે મેઘરાજાની વહેલી પધરામણી થતાં ખેડુતોને વાવણીનો શુભારંભ કરી દીધો હતો. ધણા ખેડુતોએ તો આગોતરૂ વાવેતર કરી દીધુ હતું. આમ રાજ્યમાં ખરીફ પાકનું 2.62 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. ખરીફ પાકના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ થયું છે.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 2,62,300 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 1,86,100 હેકટરમાં થયું છે. ટકાવારીની દૃષ્ટિએ સમગ્ર રાજ્યના 70.95 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે. બાકી રહેતા ગુજરાતના અન્ય ભાગોમાં 29.05 ટકા વાવેતર થયું છે. જેમાં કપાસ અને મગફળી મુખ્ય છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ 38 મી.મી. વરસાદ વરસી જતા કેટલાક પંથકમાં વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 2,700 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. એટલે આ વર્ષે હજી ચોમાસુ આરંભાયું નથી ત્યાં ખરીફ પાકમાં વાવતેર કાર્ય શરૂ થઇ ગયું છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખરીફ પાકમાં 2,62,300 હેકટર થઇ ગયું છે અને તેમાં કપાસ અને મગફળીનો સિંહ ફાળો છે. કપાસનું વાવેતર 1,73,800 હેકટરમાં અને મગફળીનું વાવેતર 65,100 હેકટરમાં થયું છે. આ બન્ને પાકનું કુલ વાવેતર 2,38,900 હેકટર થાય છે જે રાજ્યના ખરીફ પાકના કુલ વાવેતરના 91.08 ટકા થાય છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 2700 હેકટર જમીનમાં વાવેતર કાર્ય થયું છે તેમાં ખરીફ પાકમાં વર્ષોથી પ્રથમ ક્રમે રહેતા કપાસનું વાવેતર 2,100 હેકટર જમીનમાં અને બીજા ક્રમે રહેતા મગફળીના પાકનું વાવેતર 600 હેકટર જમીનમાં થયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજ સુધીમાં સૌથી વધુ ચોમાસુ પાકનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં 44,900 હેકટર જમીનમાં થયું છે. ભાવનગર જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઇ રહ્યું છે. ભાવનગર જિલ્લામાં હજી માંડ 38 મી.મી. જેટલો એવરેજ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર આ વર્ષે પ્રથમ છે તો ગત વર્ષે આ સમયગાળામાં અમરેલી જિલ્લો હતો. અમરેલી જિલ્લામાં 4000 હેકટરમાં વાવેતરપૂર્ણ થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 27800 હેકટરમાં વાવેતર પૂર્ણ થયું છે. મોરબી જિલ્લામાં 24200 હેકટર અને સુરેન્દ્રનગર જિલ્લામાં44900 હેકટરમાં વાવેતર પૂર્ણ થયું છે.