લખનૌ: ઉત્તરપ્રદેશના દેવરિયાના ફતેહપુરના સામુહિક હત્યાકાંડનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. દેવરિયા કાંડના આરોપીઓના મકાન સરકારી જમીન પર હોવાને કારણે તાલુકા કોર્ટના ચુકાદાને ડીએમ કોર્ટે યથાવત રાખ્યો છે. આરોપીઓની અરજી નામંજૂર કરાય છે. તેનાથી ભડકેલા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક્સ પોસ્ટ દ્વારા હત્યાની ધમકી આપી છે. મામલો સામે આવ્યા બાદ દેવરિયા પોલીસે કેસ નોંધ્યો છે. એસપીએ સાયબર સેલને એલર્ટ પર રહીને જવાબદાર શખ્સી તાત્કાલિક ઓળખ કરીને કાર્યવાહીના આદેશ આપ્યા છે. દેવરિયાની રુદ્રપુર કોતવાલીમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે દેવરિયાના રુદ્રપુર ક્ષેત્રના ફતેહપુરમાં પ્રેમચંદ યાદવની હત્યા બાદ સત્યપ્રકાશ દુબે સહત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડે આખા દેશમાં હડકંપ મચાવ્યો હતો. બાદમાં પોલીસ અને પ્રશાસને તપાસ શરૂ કરી તો ઉજાગર થયું કે પ્રેમચંદ યાદવનું મકાન પડતર જમીન પર બનેલું છે. તેના પછી રુદ્રપુરની તાલુકા કોર્ટે યુપી મહેસૂલ સંહિતા 2006ની કલમ-67 હેઠળ તે જમીનને ખાલસા કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
ત્યારે પ્રેમચંદ યાદવના પક્ષના લોકોએ ડીએમ કોર્ટમાં તાલુકા કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. હવે ડીએમએ આ અપીલને ફગાવી દીધી છે અને તાલુકા કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તેનાથી ભડકેલા એક માથા ફરેલા શખ્સે સીએમ યોગી આદિત્યનાથને ધમકી આપી છે. ધમકીબાજે પોતાની પોસ્ટમાં જાતિગત ટીપ્પણી કરતા કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે અને યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપી. પોસ્ટ સામે આવતા જ પોલીસ તેની તપાસમાં લાગી ગઈ છે. ગુરુવારે સવારે ત્રણ વાગ્યે રુદ્રપુર કોતવાલીને ઈન્ચાર્જ મહેન્દ્ર કુમાર ચતુર્વેદીની ફરિયાદ પર અજ્ઞાત વિરુદ્ધ આઈપીસીની કલમ- 505(2) અને 506 હેઠળ કેસ નોંધાયો છે. એસપી સંકલ્પ શર્માએ કહ્યુ છે કે સાઈબર સેલને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવશે.