નવી દિલ્હીઃ ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટ (મર્સીસાઇડ)માં સોમવારે છરીના હુમલામાં બે બાળકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે હુમલામાં નવ લોકો ઘાયલ પણ થયા છે.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડીએ જણાવ્યું કે, હુમલામાં ઘાયલ નવ લોકોમાંથી છ લોકોની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે, “સાતથી અગિયાર વર્ષની વયના બાળકો, ‘ટેલર સ્વિફ્ટ યોગા એન્ડ ડાન્સ વર્કશોપ’માં હતા, ત્યારે અચાનક એક હુમલાખોરે આવીને તેમના પર હુમલો કર્યો. જેમાં બે બાળકો માર્યા ગયા અને નવ ઘાયલ પણ થયા.
બેંક્સ, લેન્કેશાયરના એક 17 વર્ષના છોકરાની હત્યા અને હત્યાના પ્રયાસની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. હુમલા પાછળનો ઈરાદો હજુ સ્પષ્ટ થયો નથી. તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. પોલીસે છરાબાજીની આ ઘટનાને ‘મોટી ઘટના’ ગણાવી છે. હાલમાં, તેને આતંકવાદ સંબંધિત માનવામાં આવતું નથી.
પ્રધાનમંત્રી કીર સ્ટારમેરે કહ્યું કે, આ હુમલો ખરેખર ભયંકર છે. હુમલાથી લોકો દુઃખી છે. મર્સીસાઇડ પોલીસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્ટ સ્ટ્રીટમાં લગભગ 11.50 વાગ્યે છરીથી હુમલો થયો હોવાની જાણ થઈ હતી.