કરાંચીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરીમાં વધારો થયો છે. એટલું જ નહીં આતંકવાદીઓનું આક્કા ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી હુમલાનો ભોગ બની રહ્યું છે, જેથી હવે દુનિયાના વિવિધ મંચ ઉપર પોતે પણ આતંકવાદથી પીડિત હોવાના આંસુ સારે છે. દરમિયાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે ચીની કામદારોના મોત થયા છે અને ઓછામાં ઓછા આઠ અન્ય ઘાયલ થયા છે. પોલીસ અને પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.
ચીની દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ‘પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર (પ્રાઇવેટ) લિમિટેડ કંપની’ના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર રાત્રે લગભગ 11 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ચીની નાગરિકોના મોત થયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલામાં પાકિસ્તાની નાગરિકો પણ ઘાયલ થયા છે. પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને સ્થાનિક ટીવી ચેનલ ‘જીયો’ને જણાવ્યું કે વિસ્ફોટ વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
ચીનના નિવેદનમાં વિસ્ફોટને “આતંકવાદી હુમલો” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ચીન તેના પછીના પરિણામોનો સામનો કરવા માટે પાકિસ્તાન સાથે કામ કરી રહ્યું છે. ચીને હુમલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે જેથી કરીને ગુનેગારોને પકડી શકાય અને પાકિસ્તાનમાં ચીનના નાગરિકોને સુરક્ષાની સાવચેતી રાખવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા હુમલાને પગલે લોકોમાં પણ ભય ફેલાયો છે.