અમદાવાદઃ વડોદરામાં ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ, પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આ અભિયાન દરમિયાન આર.ટી.ઓ.દ્વારા મર્યાદા કરતાં વધુ ભાર ભરીને જતા 17 ડમ્પરોના ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. જ્યારે ખનિજ વિષયક ગુનામાં 6 વાહનો સહિત રૂ. 2 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વાહન ચાલકોના દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવી હતી અને રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની આંખની અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. 56 વાહન ચાલકોને તેનો લાભ મળ્યો હતો. આમ,કાયદાકીયની સાથે આરોગ્ય વિષયક ચકાસણી દ્વારા તંત્રે કડકાઈ અને સંવેદનાનો સમન્વય કર્યો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ખનિજ પરિવહન સાથે સંકળાયેલા હોય એવા અંદાજે એક હજાર જેટલા વાહન ચાલકો છે. આ અભિયાન હેઠળ તમામ ની આંખ અને આરોગ્ય ચકાસણી કરવાનું આયોજન છે. આગામી દિવસોમાં પણ વડોદરામાં ખનીજ ચોરોને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. એટલું જ નહીં ખનીજ ભરેલા વાહનો હંકારતા ચાલકાના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવશે.
(Photo-File)