દાહોદ જિલ્લામાં 2 ડેમ થયા ઓવરફ્લો, અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયા
અમદાવાદઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. જેથી જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન દાહોદ જિલ્લાનો અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયો છે. આ ઉપરાંત નદીઓ બે કાંઠે વહેતી થઈ રહી છે. છોડાઉદેપુરની ઓરસંગ નદી બની ગાંડીતૂર બની છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરાઈ છે.
છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, દરમિયાનઓરસંગ નદી એવી તો ગાંડીતૂર બનતા નદીની ભેખડો ધોવાતા ઓરસંગ કિનારે આવેલું વડનું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહને પગલે કાંઠા વિસ્તારના લોકોને નદીની પાસે નહીં જવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન પાવીજેતપુરમાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે.
દરમિયાન દાહોદ જિલ્લામાં સારા વરસાદને લઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના અદલવાડા અને ઉમરિયા બંને ડેમ પાણીથી છલોછલ થઇ ગયા છે. અદલવાડા ડેમમાં 100.99 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ છલકાઇ ગયો છે. જો કે, નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ધાનપુરના મોઢવા, રામપુર અને વેડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે દેવગઢ બારિયાના પણ 9 ગામોને એલર્ટ અપાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિમ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં છે.