સુરતઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થતો જાય છે. સૌથી વધુ અકસ્માતો નેશનલ હાઈવે પર સર્જાઆ રહ્યા છે. વાહનોની વધુ સ્પીડને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કારને બચાવવા ડમ્પરચાલકે એકાએક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત બેના મોત નિપજ્યા હતા, જ્યારે 6 પ્રવાસીઓ ઘવાયા હતા.
સૂત્રોમાં મળેલી વિગતો મુજબ સુરત જિલ્લાના કોસંબા નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર લકઝરી બસ અથડાતાં બેનાં સ્થળ પર જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 6 ઇજાગ્રસ્તને 108ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક ડમ્પરચાલક પસાર થઈ રહ્યો હતો. ડમ્પરચાલકની આગળના ભાગે ચાલી રહેલી કારના ચાલકે હાઈવે પર અચાનક બ્રેક મારતાં ડમ્પરચાલકે પણ બ્રેક મારી હતી. ત્યારે હાઇવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી લકઝરી બસ ડમ્પરની પાછળ જ હતી. એને કારણે ડમ્પરચાલકે એકદમથી બ્રેક મારતાં બસચાલક બ્રેક ન મારી શક્યો ને બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર અને અન્ય એક પુરુષ મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ડ્રાઈવર તરફના ભાગની લકઝરી બસ ચીરાઈ ગઈ હતી, જેથી બસમાંથી લોકોના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી અને બસનાં પતરાં ખેંચીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સમયે ટ્રાફિક-પોલીસ ત્યાંથી જ પસાર થઈ રહ્યા હતા, જેથી તેમણે તાત્કાલિક ઇજાગ્રસ્તોને લકઝરીમાંથી બહાર કાઢી 108ની 3 જેટલી ટીમોની મદદ લઇ કામરેજની દિનબંધુ અને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ બંને મરનારનાં મૃતદેહનો કબજો લઈ કોસંબા પોલીસે પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યાં છ લોકોને ઘટનામાં નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.