Site icon Revoi.in

શ્રીલંકા બોમ્બ ધમાકાઓમાં કર્ણાટકના 2 JDS નેતાઓનાં પણ થયાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ

Social Share

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે થયેલા 8 બોમ્બ બ્લાસ્ટ્માં જનતાદળ (સેક્યુલર) એટલે કે જેડીએસના 2 નેતાઓનાં પણ મોત થયાં છે. આ વાતની પુષ્ટિ શ્રીલંકામાં ઇન્ડિયન હાઈ કમિશન અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ કરી છે. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ તેમના 2 નેતાઓનાં મોતની આશંકા દર્શાવી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, ‘મને એ જાણીને આઘાત લાગ્યો છે કે જેડીએસ કાર્યકર્તાઓની 7 સભ્યોની ટીમ જે કોલંબોમાં પ્રવાસ પર હતી તે બોમ્બ બ્લાસ્ટ્સ પછી ગાયબ થઈ ગઈ છે. તેમાંના 2 જણનું મોત થયું હોવાની પણ આશંકા છે. આ મામલે હું ઇન્ડિયન હાઈ કમિશન સાથે સતત સંપર્કમાં છું.’

જણાવવામાં આવી રહ્યું છે કે જેડીએસના 7 નેતાઓ 20 એપ્રિલના રોજ શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. પરંતુ, બ્લાસ્ટ્સ પછી તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.

જે 2 નેતાઓ બ્લાસ્ટ્સમાં માર્યા ગયા છે તેમના નામ એમ રંગપ્પા અને કેજી હનુમંથરૈયપ્પા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે શ્રીલંકા બોમ્બ ધમાકાઓમાં માર્યા ગયેલા ભારતીયોમાં જે નામો પર શ્રીલંકામાં આવેલા ઇન્ડિયન હાઇ કમિશનના ટ્વિટને રિટ્વિટ કરેલું તેમાં આ લોકોના નામ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે થયેલા 8 બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં અત્યાર સુધીમાં 290 લોકોનાં મોત થઈ ગયાં છે અને આશરે 500 લોકો ઘાયલ થયા છે. મરનારમાં 6 ભારતીયો પણ સામેલ છે.